Rajkot: ૨૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
તા.૨૦/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના
ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) સૌરાષ્ટ્રમાં તા. ૨૦ અને ૨૧ ઓગસ્ટનાં રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ બાબતને ધ્યાને લઈ રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટરશ્રી ડૉ.ઓમ પ્રકાશે સૂચના આપી છે.
રાજકોટ જિલ્લાનાં પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા નોડલ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓએ પોતાના કર્મચારીઓ સાથે મુખ્ય મથક પર રહેવા કલેકટરશ્રીએ આદેશ આપ્યો છે.
આઇ.એમ.ડી.ના અહેવાલ મુજબ તા.૨૦ અને તા.૨૧ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. કલેક્ટરશ્રીએ ભારે વરસાદના પગલે અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી અગમચેતીના પગલાંઓ લેવા નિર્દેશ કર્યા છે. વરસાદના પગલે કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય કે બનાવ બને તો તે અંગે તાત્કાલિક નિવારક પગલાં સુનિશ્ચિત કરવા અને આ અંગે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા કલેકટરશ્રીએ તાકીદ પણ કરી છે.