વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. ૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં ઘણા પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવા માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન જરૂરી છે. તે મુજબ, તમામ પશુપાલકોને તા. ૩૧.૦૮.૨૦૨૫ સુધીમાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન નવસારી મહાનગરપાલિકાની વેબ સાઈટ https://nmc.gujarat.gov.in તથા ઓફલાઈન દુધિયા તળાવ સ્થિત નવસારી મહાનગરપાલિકાની કચેરીના રખડતા ઢોર અંકુશ વિભાગની કચેરીમાં જઈ કરાવી લેવું.
તા. ૦૧.૦૯.૨૦૨૫થી મહાનગરપાલિકા વિસ્તારના પાલતુ પશુઓના ટેગીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાની અંગત જવાબદારી પશુ માલિકની રહેશે.
નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. આવા પકડાયેલા પશુઓને પાજરાપોળમાં મુકવામાં આવી રહ્યા છે . ટેગ વિના પકડાયેલા પશુઓ પર પશુ માલિકનો કોઇ હક રહેશે નહીં, તેની ખાસ નોંધ પશુપાલકોએ લેવી.
નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન તથા ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ કરી સહકાર આપવા નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગના અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે .