વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ ખાતે ₹133.42 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા 1449 આવાસો અને 130 દુકાનોનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમલમાં આવ્યો છે, જેનાથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું ઘર મળશે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે. આ યોજનાએ લાખો પરિવારોને પોતાનો છતનો આશરો પૂરો પાડ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ યોજનાએ લોકોના જીવનમાં આશાનું નવું કિરણ લાવ્યું છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા રામાપીરના ટેકરા વિસ્તારમાં સેક્ટર-3માં બનેલા આ આવાસો અને દુકાનોનો પ્રોજેક્ટ રાજ્ય સરકારની સ્લમ રિહેબિલિટેશન અને રિ-ડેવલપમેન્ટ પોલીસી-2013 અંતર્ગત અમલમાં આવ્યો છે. આ આવાસોના લોકાર્પણથી સેકડો પરિવારોને સુવિધાસભર નવા મકાનો મળશે અને દુકાનો દ્વારા રોજગારીના નવા અવસર પણ ઉભા થશે.
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં 9.66 લાખ આવાસો મંજૂર થયા છે, જેમાંથી 9.07 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2019 અને 2022માં ગુજરાતે આ યોજના હેઠળ વિવિધ કેટેગરીમાં 13 રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, જે રાજ્યના શ્રેષ્ઠ પ્રદર્શનનું પ્રતિબિંબ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી 2024-25 સુધીમાં 8,43,168 આવાસોના લક્ષ્યાંક સામે 6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ થયું છે. જ્યારે 2025-26માં મળેલા સ્પીલ ઓવર લક્ષ્યાંક મુજબ અત્યારસુધીમાં 39,092 આવાસો પૂર્ણ થયા છે અને 2,39,441 આવાસો પ્રગતિ હેઠળ છે. આ તમામ આવાસો માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. અત્યારસુધીમાં આ યોજના અંતર્ગત ₹8936.55 કરોડનો ખર્ચ થયો છે.
રાજ્ય સરકારે 2025-26થી લાભાર્થીઓને વધુ સહાય આપવા માટે નવા પ્રાવધાનો કર્યા છે. રૂફ-કાસ્ટ લેવલે રાજ્ય સરકાર દ્વારા ₹50,000ની વધારાની સહાય આપવામાં આવે છે. અત્યારસુધીમાં 34,759 લાભાર્થીઓને ₹173.80 કરોડની સહાય મળી છે.
મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના હેઠળ લાભાર્થી આવાસ 6 માસની અંદર પૂર્ણ કરે તો ₹20,000ની વધારાની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યારસુધીમાં 74,930 લાભાર્થીઓને ₹149.86 કરોડની સહાય મળી છે. સાથે સાથે બાથરૂમ બાંધકામ માટે ₹5,000ની સહાય અને મનરેગા, સ્વચ્છ ભારત મિશન સાથે મળીને કુલ ₹2,32,920 સુધીનો લાભ આપવામાં આવે છે.
ગુજરાત એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજનામાં પ્રોજેક્ટ મંજૂર કરાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સુરતમાં 393 આવાસોને ભાડાના મકાનમાં રૂપાંતરિત કરીને આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે.
લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત પણ ગુજરાતનો સમાવેશ દેશના છ રાજ્યોમાં થયો છે. રાજકોટ શહેરમાં 1144 આવાસો ટનલ ફોર્મવર્ક અને મોનોલિથિક કોંક્રિટ ટેક્નોલૉજી દ્વારા બનાવાયા છે. આ આવાસો આધુનિક હાઉસિંગ ટેક્નોલૉજીનો એક ઉત્તમ ઉદાહરણ છે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્યના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં હજારો પરિવારોને સુરક્ષિત અને સુવિધાસભર ઘર આપી રહી છે. આવનારા સમયમાં આ યોજના વધુ ઝડપથી આગળ વધે તે માટે રાજ્ય સરકારે વિસ્તૃત આયોજન કર્યું છે.







