Rajkot: રાજકોટને મળશે નવી ૭ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ : સાંસદ તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને ફ્લેગ ઓફ બાદ પ્રસ્થાન કાર્યક્રમ

તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યની પ્રજાને મુસાફરી દરમ્યાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુથી એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦ એ.સી. પ્રીમિયમ લકઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવામાં આવનાર છે. જે પૈકી ૦૭ બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. જેનું તા. ૨૨/૦૮/૨૦૨૫, ને શુક્રવારના રોજ સાંસદ શ્રી પુરુષોતમભાઈ રૂપાલા, ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા તથા અન્ય મહાનુભાવોના હસ્તે એસ.ટી. બસ પોર્ટ ખાતે સવારે ૧૦ કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાશે.
રાજકોટ બસ પોર્ટ ખાતેથી શરુ થનાર નવી બસ સેવાઓમાં રાજકોટથી ભાવનગરનું ભાડું રૂ. ૩૦૪ (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂ.૫૪૪ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) તેમજ રાજકોટથી દીવનું ભાડું રૂ.૫૭૯ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) રહેશે. તે જ રીતે આ રૂટ પર રીટર્ન મુસાફરી ઉપલબ્ધ બનશે, તેમ વિભાગીય નિયામકશ્રી, જી.એસ.આર.ટી.સી.ની યાદીમાં જણાવાયું છે.




