GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યકક્ષાની “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા”માં રાજકોટના આયોજકો ભાગ લઈ શકશેઃ વિજેતાને લાખો રૂપિયાના પુરસ્કાર

તા.૨૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મેજર ધ્યાનચંદના જન્મદિન – “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં ૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટ યોજાશે

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે માહિતી આપી

તા. ૨૯મી ઓગસ્ટથી ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂઆત થશેઃ નાગરિકોને ભાગ લેવા અપીલ

Rajkot: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગણેશ પંડાલ સ્પર્ધામાં રાજકોટના આયોજકો ભાગ લઈ શકશે. જ્યારે મેજર ધ્યાનચંદના જન્મદિન-‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ નિમિત્તે રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ગણેશ પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર – દેશભક્તિ, સ્વદેશી વસ્તુઓ અપનાવો જેવી થીમ, પંડાલ સ્થળની પસંદગી, સામાજિક સંદેશ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ. ૫ (પાંચ) લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ. ૩ લાખ તથા તૃતીય ક્રમના વિજેતાને રૂ. ૧.૫૦ લાખના પુરસ્કાર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગણેશ પંડાલના આયોજકો રાજકોટ મહાનગર પાલિકાની ત્રણ ઝોનલ ઓફિસ ખાતેથી, તા. ૨૨થી ૨૬ ઓગસ્ટ દરમિયાન કામકાજના દિવસો દરમિયાન નીચેના સ્થળેથી ફોર્મ મેળવી શકશે.

(૧) સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, સેન્ટ્રલ ઝોન ઓફિસ, ડૉ. આંબેડકર ભવન, ત્રીજો માળ, રૂમ નં.-૫, રાજકોટ

(૨) વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, વેસ્ટ ઝોન ઓફિસ, શ્રી હરિસિંહજી ગોહિલ ભવન, બિગ બજારની પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ.

(૩) વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, ઈસ્ટ ઝોન ઓફિસ, ઝવેરચંદ મેઘાણી ભવન, ભાવનગર રોડ, રાજકોટ.

તેમણે ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ અન્ય જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસ – ૨૯ ઓગસ્ટની ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે રાજકોટ શહેર-જિલ્લામાં ૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૮મી ઓગસ્ટે પ્રિ-ઈવેન્ટ સેલિબ્રેશન થશે. જેમાં રાજકોટના રેસકોર્સ રિંગરોડ પરના બહુમાળી ભવનથી લઈને બાલવાટિકા સુધી ડી.એલ.એસ.એસ.ના ૩૦૦ વિદ્યાર્થીઓ , પોલીસ બેન્ડ, એન.સી.સી. કેડેટ્સ તથા શાળાના છાત્રો દ્વારા પ્રિ-ઈવેન્ટ રેલી યોજવામાં આવશે.

તા.૨૯મી ઓગસ્ટે, ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લેવામાં આવશે અને રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે હોકીની ચાર મેચ યોજવામાં આવશે. જેમાં ચાર ટીમના ૪૪ સભ્યો ભાગ લેશે. દરેક શાળામાં પણ ખેલ-કૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ થશે. રાજકોટ મહાનગરની ૯૩૪ શાળાઓ તથા જિલ્લાની અન્ય ૧૬૮૨ શાળાઓ મળીને કુલ ૨૬૧૬ શાળાઓના છાત્રો રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ જૂડો સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ૨૫૦ કોલેજીયનો ભાગ લેશે. મારવાડી તથા આર.કે. યુનિ. દ્વારા પણ વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટી થશે.

તા. ૨૯મી ઓગસ્ટે ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. જેમાં શહેરીજનો, જિલ્લાના નાગરિકો જાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત શાળા, કોલેજ, યુનિવર્સિટી દ્વારા પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી.

તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ, રસ્સા ખેંચની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, કોર્પોરેશન વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેક્ટર કચેરીની પુરુષ ટીમ અને મહિલા ટીમ એમ ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થશે.

તા. ૩૧મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામા આવ્યું છે.

મહાનગર પાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવશે. જ્યારે છ નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ૫૦૦થી વધુ લોકો ‘સાયકલ ઓન સન્ડે’માં ભાગ લેશે.

આ તકે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરા, ટ્રાફિક ડી.સી.પી. સુશ્રી પુજા યાદવ,નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ, જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી રમા મદ્રા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!