‘હત્યારાઓને પકડીને ફાંસી આપો’:ભરૂચમાં કેટરર્સ સંચાલકની હત્યા મામલે પરિવારજનો અને સમાજના આગેવાનોએ ફાંસીની સજાની માંગ કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં રહેતા એક કેટરર્સ સંચાલકની તેની સાથે કામ કરતા શ્રમિકોએ હત્યા કરી લૂંટ કરી ભાગી બાકી તથા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને આજરોજ પ્રકાશ માલીના પરિવારજનો અને માલી સમાજના લોકોએ હત્યારાઓને પોલીસ દ્વારા જલ્દી પકડી અને તેમને કડકમાં કડક પાંચની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં બાબા રામદેવ નામનો કેટરર્સ ચલાવતા પ્રકાશ પુનાજી માલીનું તેની સાથે કામ કરતા શ્રમિકો દ્વારા તેના ઘરમાં હાથ પગ બાંધી નિર્મમ રીતે હત્યા કરી તેની ઇકોવાન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કેટરર્સમાં કામ કરતા અન્ય શ્રમિકોના પણ નિવેદનો નોંધી બંને ફરાર શ્રમિકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે વડોદરા પાસેથી આરોપીઓ લઈને ભાગેલા ઇકોવાન કબ્જે કરી હતી. આ મામલે ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના લોકેશન મેળવી વહેલીમાં વહેલી તકે તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આજે મૃતક પ્રકાશ માલીના પત્ની અને બાળકો સાથે તેમના પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાજસ્થાન થી ભરૂચ પહોંચ્યા હતા. આ મામલે મૃતકના ભાઈ અને તેમની દીકરીએ હત્યારાને વહેલામાં વહેલી તકે પકડી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.




