ભરૂચમાં કોંગ્રેસનો ધરણા પ્રદર્શન, ગોટાળા સામે સૂત્રોચ્ચાર, પોલીસે કાર્યકરોની અટકાયત કરી


ભરૂચ: ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં થયેલા ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતીના આક્ષેપોને લઈને આજે શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધરણા પર બેસ્યા હતા.
કોંગ્રેસી કાર્યકરોએ “વોટ ચોર ગદી છોડ”, “ચૂંટણીમાં ગેરરીતી બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું. સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદ, યુથ કોંગ્રેસ પ્રમુખ શકિલ અકુજી, પાલિકા વિપક્ષના નેતા સંમસાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ,નાઝુ ફડવાળા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ શરૂ થતાજ પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમ્યાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસે વચ્ચે ધક્કામુક્કી જેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોને અટકાયત કરી હતી. પોલીસ દ કુલ 30થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી ધરણા પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું. અટકાયતમાં આવેલા કાર્યકરોને પોલીસે સ્ટેશન રોડ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતી કરી રહ્યો છે. આ મુદ્દાને લઈને આગલા દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે તેવું પણ આગેવાનો દ્વારા જણાવાયું છે.






