
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં ત્રણ નવજાત શિશુના મોત બાદ બેદરકારીનો આરોપ
*માસુમ બાળકોના મોતથી પરિવારમાં શોક, હોસ્પિટલના સ્ટાફની બેદરકારી અંગે ઉઠ્યા સવાલો
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીંના ગાયનેક વિભાગમાં એક જ રાતમાં ત્રણ નવજાત શિશુના કરૂણ મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ મૃતક બાળકોના પરિવારે હોસ્પિટલના તબીબી સ્ટાફ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે, જેના કારણે હોસ્પિટલ મેનેજમેન્ટની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
આ ઘટના અંગે વધુ વિગતો આપતા એક બાળકનાં પિતા વિજયકુમાર દિલીપભાઈ વસાવાએ જણાવ્યું કે, હોસ્પિટલ સ્ટાફની યોગ્ય સારવારના અભાવે તેમના પુત્રનું મૃત્યુ થયું છે. તેમણે વારંવાર સ્ટાફને વિનંતી કરી હોવા છતાં ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ મામલે, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મૃતક પરિવારો સાથે વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, એક સ્વસ્થ બાળક, જેનું વજન ૨.૩ કિલો હતું અને જેના તમામ રિપોર્ટ નોર્મલ હતા, તેને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું ન હતું અને અલગ રૂમમાં રાખવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું. તેમણે સ્ટાફના ગેરવર્તનની પણ ફરિયાદ કરી હતી.
બીજી તરફ, હોસ્પિટલના ઇન-ચાર્જ આરએમઓ ડૉ. ચૌધરીએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, મૃત્યુ પામેલા ત્રણ બાળકોમાંથી બે જન્મથી જ ગંભીર હાલતમાં હતા અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા બાળકના મોતનું કારણ અચાનક હોવાથી પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ટાફની બેદરકારીના આરોપો અંગે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ હોસ્પિટલના વહીવટી તંત્ર સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.



