Rajkot: તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામા પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.૨૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિશેષ અહેવાલ:- શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા: માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
ગ્રામ્ય યુવાનોને તેમની અદ્ભુત પ્રતિભા અને કૌશલ્યો પ્રદર્શિત કરવાની મળશે અનેરી તક
ઝાંઝ, મંજીરા, કરતાલ, શંખ, ભૂંગળ અને ઝાલર જેવી લુપ્ત થઈ રહેલી કલાઓને ફરીથી જીવંત કરવાનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો પ્રયાસ
છત્રી સજાવટ, પારંપરિક ભરતગુંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક ડમરું, વાંસળી જેવી કુલ ૩૧ સ્પર્ધાઓનું આયોજન
Rajkot: તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે, તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી, પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, કલા અને પરંપરાઓને જીવંત રાખતું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ છે. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. આ સ્પર્ધાઓ ગ્રામ્ય યુવાનોને તેમની અદ્ભુત પ્રતિભા અને કલા-કૌશલ્યો પ્રદર્શિત કરવાની તક સાથે જ આપણી પ્રાચીન સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે.
વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન અને ઉદ્દેશ:-
તરણેતરના સુપ્રસિદ્ધ મેળાને ભવ્ય સાંસ્કૃતિક સ્વરૂપ આપવા માટે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ખાતેની કમિશનરશ્રીની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું સવિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ્ય લોકકલાકારોને પ્રોત્સાહન આપવાનો, ગામઠી પરંપરાઓનું જતન કરવાનો છે.
કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત વર્ષની સફળતાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કુલ ૨૬ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે ઘન વાદ્યની પાંચ નવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઝાંઝ, મંજીરા, કરતાલ, શંખ, ભૂંગળ અને ઝાલર જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરી લુપ્ત થઈ રહેલી કલાઓને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવી સ્પર્ધાઓના ઉમેરા સાથે, આ વર્ષે કુલ ૩૧ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ. ૧૦૦૦, રૂ. ૭૫૦ અને રૂ. ૫૦૦ના રોકડ પુરસ્કારો તેમજ મોમેન્ટો, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ પૈકી ૨૯ સ્પર્ધાઓ સ્ટેજ પર યોજાશે, જ્યારે ‘શ્રેષ્ઠ રાવટી’ અને ‘શ્રેષ્ઠ ખૈલૈયા’ જેવી બે સ્પર્ધાઓમાં નિર્ણાયકો સ્થળ પર જઈને મૂલ્યાંકન કરશે.
તરણેતર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે, તા. ૨૬ થી ૨૮ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી સાંજે પ્રવાસન વિભાગના સ્ટેજ પર લોકડાયરા અને રાસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, મેળામાં જૂની સંસ્કૃતિના વારસો ગણાતા લોકવાદ્યના કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં રાવણહથ્થો અને મોરલીવાદકોનો સમાવેશ થાય છે. આ કલાકારો મેળામાં ફરતા રહેશે, જેથી યુવા પેઢી આ કલાઓથી પરિચિત થઈ શકે.
દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ
દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરતગુંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક ડમરું (ગાયન સાથે), વાંસળી, સિંગલ પાવા, જોડીયા પાવા, એકપાત્રીય અભિનય (ઐતિહાસિક/ ધાર્મિક પાત્રો), રાવણહથ્થો (ગાયન સાથે), રાસ (શહેરી/ ગ્રામ્ય), ભવાઈ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય (સોલો ડાન્સ), લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝ મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, તરણેતરનો મેળો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતો સીમિત ન રહેતા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધાઓથી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનું રક્ષણ થઈ રહ્યું છે. આ પરંપરાગત સ્પર્ધાઓ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા, ગુજરાતની પ્રાચીન પરંપરાઓ અને લોકકલાનું જતન પણ કરે છે. આવી સ્પર્ધાઓ યુવાનોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.