AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

સિવિલ હોસ્પિટલમાં ૨૦૭મું અંગદાન અને ૨૩મું સ્કિન ડોનેશન : દાનના સંસ્કારો સમાજ માટે પ્રેરણા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે પ્રેરણાદાયી દાનની ઘટનાઓ નોંધાઈ છે. એક તરફ ૨૦૭મું અંગદાન થઈ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે, જ્યારે બીજી તરફ ૨૩મું સ્કિન ડોનેશન પણ નોંધાયું છે. આ બંને ઘટનાઓથી અનેક જીવને નવી આશા મળી રહી છે.

સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદેએ જણાવ્યું કે ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ૭૩ વર્ષીય કીર્તીકુમાર પટેલના અવસાન બાદ તેમની દીકરી સીમાબેને પિતાની ત્વચા દાન કરવા સંમતિ આપી હતી. કોલ મળ્યા બાદ સિવિલ હોસ્પિટલના સ્કીન બેંકની ટીમ તરત જ દાતા ના ઘરે પહોંચી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના નિષ્ણાતોએ ત્વચાનું સંકલન કર્યું હતું.

આ ઘટના વિશેષ રૂપે નોંધપાત્ર એટલા માટે છે કારણ કે ચાર મહિના પહેલા જ કીર્તીકુમારના પત્ની વિલાસબેનનું અવસાન થતાં તેમના પુત્ર હર્ષદભાઇ અને પરિવારજનોએ તેમનું સ્કિન ડોનેશન કરાવ્યું હતું. હવે કીર્તીકુમારના અવસાન બાદ તેમની દીકરીએ પણ સ્કિન ડોનેશનની સંમતિ આપી છે. આમ, પતિ-પત્ની બંનેએ મૃત્યુ પછી ત્વચા દાન કરાવવાનો આ પ્રથમ કિસ્સો છે, જે સમાજ માટે અનોખી પ્રેરણા સમાન છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે ઘરેથી મેળવાયેલું આ ૮મું સ્કિન ડોનેશન છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ સ્કિન બેંક મારફતે કુલ ૨૩ સ્કિન ડોનેશન નોંધાયા છે, જે દાઝેલા દર્દીઓની સારવારમાં અમૂલ્ય સાબિત થઈ રહ્યા છે.

તે જ દિવસે સિવિલ હોસ્પિટલમાં થયેલ ૨૦૭મા અંગદાનની ઘટના પણ જીવનદાયી બની છે. નારોલ વિસ્તારના રહેવાસી દીનેશભાઇ સાકરીયાને ૨૦ ઓગસ્ટે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૨૧ ઓગસ્ટે તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. અંગદાન ટીમના ડો. મોહીત ચંપાવતે તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યા બાદ પત્ની નીરુબેન અને બાળકોની સંમતિથી બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીં કુલ ૨૦૭ અંગદાન નોંધાયા છે, જેના દ્વારા ૬૮૧થી વધુ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તેમાં ૧૮૨ લીવર, ૩૭૮ કિડની, ૧૫ પેન્ક્રિયાસ, ૬૬ હ્રદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા, ૧૪૨ ચક્ષુ તથા ૨૨ સ્કિનનો સમાવેશ થાય છે.

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ તાજેતરમાં ૧૫મી ઓગસ્ટના અવસરે સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના કાર્યને સમગ્ર ગુજરાત માટે આદર્શ ગણાવી અન્ય હોસ્પિટલોને પણ આવા કાર્ય માટે પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ તાજા દાનની ઘટનાઓ ફરી એકવાર એ સાબિત કરે છે કે સમાજમાં દાનના સંસ્કારો જીવંત છે અને માનવતાની સેવા માટેનું કાર્ય ગુજરાતની ધરતી પર સતત આગળ વધી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!