
ઝઘડિયાથી અંબાજીની પગપાળા યાત્રાનું આયોજન-સતત ૨૮ મા વર્ષમાં પહોંચી પદયાત્રા
પદયાત્રામાં વર્ષોથી જોડાય છે વડાપ્રધાનના પત્ની જશોદાબેન મોદી
_________________________________
_________________________________
શ્રધ્ધાળુઓ દ્વારા વિવિધ ધર્મસ્થાનોએ જવા પગપાળા યાત્રા યોજવાની આપણા દેશની વર્ષો જુની પરંપરા છે. ગુજરાતમાં વિવિધ ધર્મસ્થળોની પગપાળા યાત્રાએ જતા સંઘો આપણે ઘણીવાર જોઇએ છીએ. ત્યારે અંબા માતાના ધામ અંબાજી ખાતે જવા માટે પણ ઘણા શ્રધ્ધાળુઓ દ્વારા પગપાળા યાત્રાઓના આયોજન કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પણ શ્રધ્ધાળુઓ દ્વારા સતત ૨૮ વર્ષથી અંબાજીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ સોલંકી અને ઝઘડિયાના જગદીશભાઇ પાનવાડિયાની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકામાંથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પગપાળા યાત્રામાં પદયાત્રીઓ અંબાજી ખાતે પહોંચીને મંદિરે ધજા ચઢાવીને યાત્રાની પુર્ણાહુતિ કરે છે. આ પદયાત્રીઓ સાથે વર્ષોથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી જોડાય છે. તેઓ અંબાજી પંચાલ ભવનથી યાત્રામાં જોડાય છે અને મંદિરે દર્શન કરીને ધજા પણ ચઢાવે છે. ચાલુ સાલે પણ ઝઘડિયાથી અંબાજીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૧ મી ઓગસ્ટના રોજ માતાજીના રથ તેમજ બાવન ગજની ધજા સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.આ પગપાળા સંઘ તા.૨-૯-૨૦૨૫ ના રોજ મોટા અંબાજી ખાતે પહોંચશે.
ઈરફાન ખત્રી
રાજપારડી



