વાગરા: ભેંસલી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 16,000થી વધુ દારૂની બોટલ સાથે એક ઝડપાયો, 85 લાખના દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા વાગરાના ભેંસલી ગામ નજીકથી 85 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂ સાથે, પોલીસે એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, ભરૂચથી દહેજ જતા રોડ પર ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ રાજસ્થાની હોટલ નજીક એક આઈશર ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે. આઈશર ટ્રકમાં રહેલી પાણીની ધાતુની ટાંકીમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે, LCBની ટીમ દ્વારા આઈશર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં દારૂ દેખાયો નહોતો. પોલીસે ટાંકીને કટર વડે કાપીને તપાસ કરતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તપાસ કરતા દારૂના 566 બોક્સ મળી આવ્યા, જેમાં કુલ 16,630 બોટલો હતી. આ દારૂની કિંમત 85,87,400 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે 20,00,000ની કિંમતનો આઈશર ટેમ્પો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કુલ મળીને, પોલીસે 1,06,37,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલામાં પોલીસે જેસારામ વિશનારામ જાટ નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જેસારામે પોલીસને જણાવ્યું કે, રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડના દહેરાદૂનથી આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો. રાહુલે તેને આઈશર ટ્રક દહેજ જતા રોડ પર ઊભી રાખવા જણાવ્યું હતું અને પછી વડોદરા જવાની સૂચના આપી હતી. પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કરી જેસારામ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.