INTERNATIONAL

ઇઝરાયેલ દ્વારા યમનમાં ભારે હવાઇ હુમલા કરવામાં આવ્યા

હુથીઓના હુમલાના જવાબમાં ઇઝરાયેલે સનામાં રાષ્ટ્રપતિ ભવન અને સૈન્ય મથક પાસે જ મિસાઇલો દાગી

ગાઝા: ઇઝરાયેલે હમાસ ઉપરાંત હવે હુથી બળવાખોરો સામે મોરચો ખોલ્યો છે. ઇઝરાયેલ દ્વારા યમનમાં ભારે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં હુથી બળવાખોરોની અનેક મિસાઇલોનો નાશ કર્યો હોવાનો દાવો ઇઝરાયેલે કર્યો હતો. હુથી બળવાખોરોને ઇરાનનું સમર્થન છે જેની સાથે પણ તાજેતરમાં ઇઝરાયેલ યુદ્ધ કરી ચુક્યું છે. ઇઝરાયેલના હુથીઓ પરના તાજેતરના હુમલાને પગલે ઇરાન સાથે પણ વિવાદ વધવાની શક્યતાઓ છે. હુથીઓ દ્વારા તાજેતરમાં હુમલા કરાયા હતા જેનો જવાબ આપવા હવે ઇઝરાયેલે આ મિસાઇલમારો ચલાવ્યો છે.

ઇઝરાયેલના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુથી બળવાખોરો ઇરાનના આદેશ પર કામ કરે છે કે જેથી ઇઝરાયેલ અને તેના સહયોગી દેશોને નુકસાન પહોંચાડી શકાય. ઇઝરાયેલ દ્વારા યમનની રાજધાની સના પર અનેક હવાઇ હુમલા કરાયા હતા, જેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. તાજેતરમાં યમન દ્વારા પણ ઇઝરાયેલ પર હુમલા કરવામાં આવ્યા હતા જેનો જવાબ આપવા માટે વળતો પ્રહાર કરાયો હોવાનો બચાવ ઇઝરાયલી સૈન્યએ કર્યો હતો.

ઇઝરાયેલ દ્વારા યમનની રાજધાની પર જે બોમ્બમારો કરાયો તે રાષ્ટ્રપતિ ભવન નજીક જ થયો, જેને કારણે આસપાસના રહેણાંકના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે ધમાકો એટલો જોરદાર હતો કે અનેક મકાનોના બારી બારણા ટુટી ગયા હતા. જ્યારે કેટલાક મકાનો ધુ્રજવા લાગ્યા હતા. આ પહેલા મે મહિનામાં ઇઝરાયેલ દ્વારા યમનના સનામાં મોટો હુમલો કરાયો હતો જેમાં વિમાન મથક નિશાન બનાવાયું હતું, આ હુમલામાં છ પેસેન્જર પ્લેનને ભારે નુકસાન થયું હતું.

દરમિયાન ઇઝરાયેલ દ્વારા યમનની સાથે ગાઝા પર પણ હુમલા યથાવત છે. ઇઝરાયેલી સૈન્ય દ્વારા ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યા કરાઇ રહી છે. ભુખમરાનો સામનો કરી રહેલા ગાઝાના નાગરિકો જ્યારે ભોજન લેવા રાહત કેમ્પ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. અહીંના શરણાર્થી કેમ્પો પર હવે ઇઝરાયેલ હુમલા કરવા લાગ્યું છે.

જબાલિયામાં શરણાર્થી કેમ્પમાં રહેતા લોકોએ કહ્યું હતું કે આખી રાત વિસ્ફોટો કરાયા હતા. ઇઝરાયેલ રાહત કેમ્પોને ખાલી કરાવવા માગતું હોવાથી આ હુમલા કરાઇ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!