
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ નગરનાં હિન્દુ સિંધી સમાજ દ્વારા વઘઇ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે સમગ્ર સિંધી સમાજ દ્વારા તાજેતરમાં બનેલી અત્યંત દુઃખદ ઘટના તરફ આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ.જેમાં ગત 19 ઑગસ્ટ 2025નાં રોજ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી, અમારા સમાજના યુવાન દીકરા નયન સંતાણી પર તેના જ એક જુનિયર વિદ્યાર્થી દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે બીજા દિવસે તેનુ દુઃખદ અવસાન થયુ હતુ. આ ઘટના અત્યંત ચિંતાજનક છે અને તેણે સમગ્ર હિન્દુ સમાજ, સિંધી સમાજ તથા વાલીઓમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઊભુ કર્યું છે.આ ઘટના માત્ર નયન પરનો હુમલો નથી, પરંતુ તે આપણી શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થા પર પણ એક મોટો પ્રશ્નાર્થ છે.શાળાઓ જે જ્ઞાનનું મંદિર અને બાળકો માટે સુરક્ષિત આશ્રયસ્થાન હોવી જોઈએ, જ્યાં આપણા બાળકો કોઈપણ ભય વિના શિક્ષણ મેળવી શકે, પરંતુ, આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા જોખમાઈ રહી છે.આથી, સિંધી સમાજ વતી, આપને નમ્ર વિનંતી છે કે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલા ભરવામાં આવે.અને અમારી નીચે મુજબની ભલામણો પર વિચારણા કરવા વિનંતી છે.જેમાં નયન સંતાણી કેસની તાત્કાલિક અને ન્યાયિક તપાસ કરવામાં આવે,નયન સંતાણીની હત્યા કરનારા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડી, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આનાથી સમાજમાં દાખલો બેસાડી શકાય અને ભવિષ્યમાં આવા કૃત્યો ફરી ન બને.આ ઘટનામાં શાળાની બેદરકારીની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, અને જો કોઈ બેદરકારી જણાય તો જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે.તથા શાળાઓમાં પણ સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવા જરૂરી બન્યુ છે.તમામ શાળાઓના પરિસરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે.શાળાઓના પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે અને તેનું સતત મોનિટરિંગ થાય.શાળાના સમય દરમિયાન અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે અને મુલાકાતીઓ માટે કડક નિયમોનું પાલન કરાવવામાં આવે.શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સુરક્ષા સંબંધિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે, જેમાં આવા સંઘર્ષોને ટાળવા અને તેનો સામનો કરવા માટેના ઉપાયો શીખવવામાં આવે.દરેક શાળામાં એક વિશેષ સલામતી સમિતિ (Security Committee) બનાવવામાં આવે, જેમાં શિક્ષકો, વાલીઓ અને પોલીસ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થાય, જેથી સમયાંતરે સુરક્ષાની સમીક્ષા થઈ શકે.અમોને આશા છે કે આપ અમારી આ રજૂઆતને ગંભીરતાથી લેશો અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલા લેવાની માંગણી કરી છે..





