
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમલીત વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમ યોજના હેઠળ ૩૩૮ જિલ્લાના લાભાર્થીઓને ટૂલ કીટ વિતરણ કરાઈ
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં આદિવાસી સાંસ્કૃતિક ભવન, આહવા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી આહવા દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમલીત વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમ યોજના હેઠળના ડાંગ જિલ્લાના ૩૩૮ લાભાર્થીઓને ટૂલ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આદિજાતિના શિક્ષિત બેરોજગારો રોજગારી, સ્વરોજગારી મેળવી શકે તે હેતુસર નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વિવિધ તાલીમ કાર્યક્રમો જેવા કે, સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી કોચિંગ વર્ગો, વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમો જેવી કે, સીવણકામ તાલીમ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ -સી.સી.સી. તાલીમ, હાઉસ વાયરિંગ તાલીમ, સોલાર પેનલ મેઈન્ટેનન્સ એન્ડ ઈન્સ્ટોલેશન તાલીમ માટેના ડાંગ જિલ્લાના ત્રણ તાલુકાઓ માટે કુલ રૂ. ૭૩.૭૮ લાખના ૪૮૯ તાલીમાર્થીઓ માટેના કુલ ૧૬ કામો મંજુર કરવામાં આવેલ હતા. જે તાલીમો પૈકી આજરોજ સીવણકામ તાલીમના ૧૧૦ તાલીમાર્થીઓ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ તાલીમના ૧૫૮ તાલીમાર્થીઓ, સોલાર પેનલ ઈન્સ્ટોલેશન એન્ડ રીપીરીંગ તાલીમના ૭૦ તાલીમાર્થીઓ મળી કુલ ૩૩૮ લાભાર્થીઓને ટુલ કીટ વિતરણ કરવામાં આવી છે તેમ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ.
સરકાર દ્વારા તાલીમ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે, આ તાલીમનો સંપૂર્ણ ઉપયોગ કરી સાહસીકતા દાખવી કામ કરવું જરૂરી છે. સરકારની તાલીમ થકી જીવનને ઉજ્જવળ બનાવવાનો આ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે તમામ પ્રયત્નો થકી રોજગારી માટે પ્રયત્નો કરવા જોઇએ તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇને જણાવ્યું હતું કે, ચાલું નાણાંકીય વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કોચીંગ વર્ગો, વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમો જેવી કે, સિવણકામ તાલીમ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ -સી.સી.સી. તાલીમ, હાઉસ વાયરીંગ તાલીમ, સોલાર પેનલ ઈન્સ્ટોલેશન એન્ડ રીપેરીંગ તાલીમ, સેનેટરી પેડ બનાવવા માટેની ઉત્પાદન સહ તાલીમ. માટેના ડાંગ જિલ્લાના ત્રણ તાલુકાઓનું કુલ રૂ. ૧૨૬.૪૧ લાખનું ૭૯૫ તાલીમાર્થીઓ માટેના કુલ ૨૬ કામોનું આયોજન મંજુર કરવામાં આવેલ છે. તેમ જણાવી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આહવા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સાથે જ તાલીમ મેળવેલ લાભાર્થીઓ રોજગારી મેળવી શકે તે હેતુસર રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી કંપનીઓ જેવી કે, (૧) વેલ્સપન મોરાય, વાપી (૨) કોનીકા પ્લાસ્ટીક કંપની, સુરત (૩) બસવાડા સિનથેક્ટસ, સુરત (૪) હોટેલ એસોશિએશન, સાપુતારા (૫) સાયબર પેસેફીક સેલવાસા(જાન્વી એન્ટરપ્રાઈઝ) (૬) શાહિબા પ્લેસમેન્ટ એજન્સીએ ભાગ લઈ બેરોજગારોને રોજગારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જીલ્લાના આદિજાતિના યુવક-યુવતીઓ રોજગારી મેળવી પગભર થઈ શકે તે માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહેલ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચંદરભાઈ ગાવિત, શિક્ષણ સમિતિના ચેરમેન બીબીબેન ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી નીલમબેન ચૌધરી, સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી હરીશભાઈ બચ્છાવ, જિલ્લા સદસ્ય મુરલીભાઈ બાગુલ, નિલેશભાઈ બાગુલ, સુબીર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રઘુનાથભાઈ સાવળે સહિત જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.વસાવા, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટિલ, નિવાસી અધિક કલેકટર વી. કે. જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, પંચાયત કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલ, આહવા તાલુકા વિકાસ અધિકારી આર. બી. ચૌધરી, આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર એમ. આર. વસાવા, રોજગાર અધિકારી વિનોદભાઈભોયે સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






