AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

છેલ્લા એક સપ્તાહથી ડાંગ જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે, જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.સતત પડી રહેલા વરસાદનાં પરિણામે જિલ્લાની નદીઓ, નાળા અને કોઝવે છલકાયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયુ છે.શુક્રવારે વઘઈ અને સુબિર તાલુકા સહીત શામગહાન પંથક તેમજ ઉપરવાસનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.આ ભારે વરસાદના કારણે અંબિકા અને ખાપરી નદીઓ થોડાક કલાક માટે ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી હતી.બંને નદીઓને જોડતા કેટલાક કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર અવરોધાઈ હતી. જોકે, થોડા કલાકો બાદ પાણી ઓસરતા પરિસ્થિતિ પૂર્વવત બની હતી. અંબિકા નદીના પુલ પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સ્થાનિકો અને પ્રવાસીઓને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી હતી.મુખ્યમથક આહવા અને ગિરિમથક સાપુતારામાં હળવો વરસાદ નોંધાયો હતો, જેના કારણે અહીંનું વાતાવરણ વધુ સુખદ બન્યુ હતુ.વરસાદી માહોલના કારણે ડાંગની લીલીછમ વનરાજી વધુ સુંદર બની છે. વઘઈનો ગિરાધોધ અને ગિરમાળનો ગિરાધોધ ફરી એકવાર જીવંત બન્યા છે.ચારેબાજુ પાણીના અખૂટ જથ્થા સાથે વહેતા આ ધોધને જોવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. આ ઉપરાંત, નાના-મોટા ઝરણાં અને વહેળાઓ પણ છલકાઈ રહ્યા છે, જે કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે.ગિરિમથક સાપુતારા પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આહલાદક વાતાવરણ અને ઠંડી હવાના કારણે અહીં આવતા પ્રવાસીઓ માટે એક અનમોલ અનુભવ બની ગયો છે. હિલ સ્ટેશનના પ્રખ્યાત સ્થળો જેમ કે ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ પર પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેઓ આ વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.જોકે, વરસાદની અસર માત્ર પર્યટન પર જ નથી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 10 મિમી,સાપુતારા પંથકમાં 10 મિમી,વઘઇ પંથકમાં 35 મિમી અર્થાત 1.4 ઈંચ, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 44 મિમી અર્થાત 1.76 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!