
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી-ભિલોડા રોડ પર પાણીના પ્રવાહમાં પિતા-પુત્ર તણાયા, પિતાનું મોત : લીલછા ગામે પાણીમાં કાર તણાઈ 1 યુવાન તણાયો, 2 લોકોનો બચાવ
અરવલ્લી જિલ્લામાં શામળાજી-ભિલોડા રોડ પર ભારે વરસાદના કારણે થયેલા પાણીના પ્રવાહે દુર્ઘટના સર્જી હતી. જેશીંગપુર ગામ નજીક આવેલા ડાયવર્ઝન પર પસાર થતી વખતે પિતા-પુત્ર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
માહિતી મુજબ, રતનાજી કાવાજી વઠેરા (ઉંમર 70, રહેવાસી – જેશીંગપુર) પોતાના પુત્ર પ્રકાશભાઈ રતનાજી વઠેરા (ઉંમર આશરે 35) સાથે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક પગ લપસી જતાં પિતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા. પિતાને બચાવવા પુત્ર પાણીમાં કૂદ્યો હતો, જોકે પિતાને બચાવી શકાયા નહોતા.સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં પિતાનું મોત નિપજ્યું જ્યારે પુત્રને ગંભીર હાલતમાં બહાર કાઢી ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ, ભિલોડા તાલુકાના લીલછા પાસેની ઇન્દ્રસી નદીમાં કાર તણાઈ જવાની ઘટના પણ સામે આવી છે. કારમાં ત્રણ લોકો સવાર હતા જેમાંથી એક યુવક પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયો, જ્યારે અન્ય બે લોકોનો સ્થાનિક લોકોએ બચાવ કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ તેમજ મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી છે. વરસાદી માહોલ વચ્ચે સતત વધી રહેલા પાણીના પ્રવાહે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.







