
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી હાહાકાર :કુણોલ ગામે બાઈક ચાલક તણાયો, કોજવે પાણીમાં ગરકાવ : ચેકડેમો ઓવરફ્લો, અંબાજી જતા પદયાત્રિકો ને મુશ્કેલીઓ, રસ્તાઓ પર પાણી ભરાયા : યાત્રિકોની સલામતી સામે અનેક સવાલો
અરવલ્લી જિલ્લામાં શનિવારે સાંજે ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મેઘરજ, ભિલોડા અને શામળાજી પંથકમાં ભારે વરસાદ પડતાં નદી-નાળા છલકાયા હતા અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેઘરજના કુણોલ ગામ પાસેના કોઝવે પરથી પસાર થતો એક બાઈક ચાલક યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જો કે, ગામના લોકોએ જીવના જોખમે આગળ આવી યુવકનો જીવ બચાવ્યો હતો. હાલ કોઝવેના બન્ને બાજુ પાણી ભરાતા અવરજવર માટે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.
શામળાજી ખાતે ભારે વરસાદને કારણે ડુંગર પરથી ભુસ્ખલનની ઘટના બની હતી. બસ સ્ટેશન ઓવરબ્રિજની પાસે થયેલા આ ભુસ્ખલનથી ત્રણ કિલોમીટર સુધી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
ભિલોડા શહેરમાં પણ વરસાદે કહેર વરસાવ્યો હતો. દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ગોવિંદનગર, પરમાર ફળી અને વાઘેલા ફળી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઇડર-ભિલોડા રોડ તેમજ ભિલોડા-હિંમતનગર હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.સાંજના સમયે પડેલા આ ધોધમાર વરસાદે સામાન્ય જનજીવન પ્રભાવિત કર્યું હતું અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.






