બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી “ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી”

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં SIR સંબંધિત કેસની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બિહારમાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી રાજ્યમાં ખાસ સઘન સંશોધન પછી તૈયાર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા અરજી દાખલ કરવાની સમય મર્યાદા લંબાવી દીધી છે.
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે આ વિશ્વાસની કમીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
તમને જણાવી દઈએ કે, સોમવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચ ડ્રાફ્ટ લિસ્ટ પર વાંધા દાખલ કરવા માટે 1 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી હતી. બીજી તરફ ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, બિહારના લોકોને ખાસ સઘન સુધારાથી કોઈ સમસ્યા નથી. માત્ર અરજદારો જ તેનાથી નારાજ છે.
ચૂંટણી પંચે બેન્ચને જાણ કરી કે તેમને મળતી મોટાભાગની અરજીઓ મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાની માગ કરે છે, અને નામ સામેલ કરવા માટેની વિનંતીઓની સંખ્યા ઘણી ઓછી છે. અરજદારો વતી કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચની આ પ્રક્રિયામાં પારદર્શિતાનો ખૂબ જ અભાવ છે. બીજી તરફ આના પર ચૂંટણી પંચે બેન્ચને કહ્યું કે, અવરોધની માનસિકતા આના માટે જવાબદાર છે.
ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું કે, સમયમર્યાદા લંબાવવાથી ચૂંટણી પહેલા મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવાના સમગ્ર કાર્યક્રમમાં વિક્ષેપ પડશે. સમયમર્યાદા લંબાવવાથી સમીક્ષા એક અનંત પ્રક્રિયા બની જશે. જોકે, સુપ્રીમ કોર્ટે આખરે સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે.



