
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે પોલીસે એક બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.તેની પાસેથી ગેરકાયદેસર અલગ-અલગ બ્રાન્ડની કુલ ૩૧ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૧૦,૬૮૦ આંકવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ, આહવા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આહવા પટેલપાડા વિસ્તારમાં રહેતો પ્રકાશભાઈ મગનભાઈ માલકાણી (ઉંમર: ૩૨) પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને પ્રકાશભાઈના ઘરે રેડ કરી હતી.પોલીસ સ્ટાફના માણસોએ ઘરની અંદર સઘન તપાસ કરતા સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં જુદી જુદી બ્રાન્ડની કુલ ૩૧ બોટલો મળી આવી હતી. પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપી પ્રકાશભાઈ માલકાણીની ધરપકડ કરી હતી અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે આહવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે..





