Rajkot: ઘૂંટણમાં રહેલી ૨૦ પથરીનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દીને પીડામાંથી મુક્ત કર્યો:રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગની સુંદર કામગીરી

તા.૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“અમારું ધ્યેય માત્ર સર્જરી કરવાનું નથી પરંતુ દર્દીને ફરીથી નિર્ભયતાથી જીવન જીવવા સક્ષમ બનાવવાનું છે”: ડો. શૈલેષ રામાવત
“હોસ્પિટલની સારી સારવારથી ૮ મહિનાથી ચાલતા દુ:ખાવામાંથી છૂટકારો મળ્યો છે, હવે જાતે ચાલી શકું છું”: સુમિતાબહેન (દર્દી)
સામાન્ય રીતે લોકોને કિડનીમાં પથરી, પિતાશયમાં પથરીની સમસ્યાઓ આવતી હોય છે પરંતુ ઘૂંટણમાં પથરી હોવાની વાત મેડીકલ ક્ષેત્રમાં રેર કેસ સમાન છે. ઓર્થોપેડીકની ભાષામાં ઘૂંટણની પથરીને ‘લુઝ બોડિસ’ કહેવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવો જ એક રેર કિસ્સો ઓર્થોપેડીક વિભાગ સામે આવ્યો હતો. દર્દી સુમિતાબહેન વિઠ્ઠલપરાના ઘૂંટણમાં ૨૦ જેટલી પથરી હોવાનું સામે આવ્યું. જેના કારણે દર્દીને સખત દુખાવાની સમસ્યા રહેતી હતી અને ચાલી પણ શકાતું નહોતું. જ્યારે જીવનમાં આરોગ્યના કારણે રોજિંદું જીવનધોરણ ખોરવાઈ જાય ત્યારે દરેક પળ કષ્ટમય બની જતી હોય છે પરંતુ દર્દી નારાયણની નિશુલ્ક, શ્રેષ્ઠ અને માનવતાપૂર્ણ સારવાર કરવાની નેમ સાથે આરોગ્યપ્રદ સુવિધા પુરી પાડતી રાજકોટ સિવિલ હોસ્પિટલે સુમિતાબહેનના રોજિંદા જીવનને પુનઃ ધબકતું કર્યું છે.
સુમિતાબહેનના ઘૂંટણની પથરીના જટિલ ઓપરેશન અંગે વિગતવાર વાત કરતાં ઓર્થોપેડીક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ શ્રી ડો. શૈલેષ રામાવતે જણાવ્યું હતું કે, દર્દી ઓર્થોપેડીક વિભાગના યુનિટ – ૩માં દાખલ થયા હતા. તપાસ કરતાં સામે આવ્યું હતું કે, દર્દીના જમણા પગના ઘૂંટણમાં ‘લુઝ બોડિસ’(અંદર ફરતાં નાના હાડકા/કાર્ટિલેજના ટુકડા) સર્જાતા તેમને ભારે દુખાવો થતો હતો તેમજ અચાનક ઘૂંટણ લોક થઈ જવાથી પગ વાંકો કે સીધો કરવામાં પણ અસમર્થતા આવતી હતી. રોજિંદા જીવનમાં અવરોધ, સતત દુખાવો અને ચાલવામાં થતી તકલીફને કારણે તેમનું જીવન લગભગ થંભી ગયું હતું. પરંતુ પરિવારના સહારે અને આત્મવિશ્વાસના કારણે દર્દીએ સારવાર લેવામાં હિંમત દેખાડી. ત્યારબાદ નિષ્ણાંત ડોકટરોએ તમામ તપાસ કર્યા બાદ દર્દીની સમસ્યા આર્થોસ્કોપી સર્જરીથી દૂર કરી શકાય તેવું હતું. ઓપરેશન અત્યંત જટિલ હોવા છતાં ટીમે કુશળતા અને વિશ્વાસપૂર્વક કામગીરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન અંદરના આશરે ૨૦ જેટલા ‘લુઝ બોડિસ’ (ઘૂંટણની પથરી) દૂર કરવામાં આવ્યા અને સાંધાને ફરીથી કાર્યક્ષમ બનાવવામાં આવ્યો હતો.
દર્દીની સ્મિતભરી ઝલક જ અમારો સાચો પુરસ્કાર છે તેમ જણાવતાં ડો.શૈલેષ રામાવતે ઉમેર્યું હતું કે, અમારું ધ્યેય માત્ર સર્જરી કરવાનું નથી પરંતુ દર્દીને ફરીથી નિર્ભયતાથી જીવન જીવવા સક્ષમ બનાવવાનું છે. સુમિતાબહેનની કેસમાં સર્જરી ખૂબ જ પડકારજનક હતી પરંતુ ટીમવર્કથી મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી. આજે સુમિતાબહેન ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેઓ ફરીથી ચાલવા લાગ્યા છે અને પોતાના જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને આ ઓપરેશનમાં ડો.પારસ મોટવાની, ડો. દીક્ષિત સવજીયાણી, ડો. બ્રિજ લાડાણી, ડો. જય સભાયા, ડો. મિલન ઘડુક, ડો. દર્શિત રાફલિયા, ડો. સારાંશ આચાર્ય, ડો. આશિષ બદલાણી, ડો. પવિત્ર સરકાર, ડો. કિર્તન પ્રજાપતિ, ડો. અગ્નિવા મોંડાલ સહિતના નિષ્ણાંત તબીબોએ મહત્વની ભુમિકા ભજવી છે.
આ તકે સુમિતાબહેન અને તેમના પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ૬ થી ૮ મહિનાથી જમણા પગમાં દુખાવો હતો. સિવિલમાં બતાવ્યું તો ડોકટરે દાખલ થવા જણાવ્યું. અહીંનો સ્ટાફ ખુબ સરસ છે, અમારું સરસ ધ્યાન રાખ્યું છે અને આજે હું એકદમ સાજી થઈ ગઈ છું અને ફરીથી ચાલવા લાગી છું. દુ:ખાવામાંથી પણ છુટકારો મળ્યો છે.
આમ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અદ્યતન સારવાર, કુશળ તબીબો અને માનવતાની ભાવના સાથે દર્દીનારાયણની સેવા કરીને જીવનમાં ઉજાસ પાથરી રહી છે.





