INTERNATIONAL

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બાદ હવે વિધાર્થીઓ માટે કડક નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે. આના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના કડક વીઝા નિયમોને લીધે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે. સરકારી તપાસના ડરથી ઘણા વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરીઓ ગુમાવી છે, જેના કારણે તેમને રોજિંદા ખર્ચ અને ભાડું ચૂકવવામાં તકલીફ પડી રહી છે. આ પરિસ્થિતિએ તેમનું જીવનનિર્વાહ મુશ્કેલ બનાવી દીધું છે.

કડક વીઝા નિયમોને કારણે, અમેરિકન નોકરીદાતાઓ હવે ભારતીય વિદ્યાર્થીઓને પાર્ટ-ટાઈમ નોકરીઓ આપતા નથી, અથવા જો આપે છે તો કામના કલાકો ખૂબ જ ઓછા હોય છે, જેનાથી તેમની આવક ઘટી ગઈ છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ કાં તો પોતાના ખર્ચાઓમાં ભારે ઘટાડો કરવો પડ્યો છે અથવા તો પરિવાર પાસેથી આર્થિક મદદ લેવી પડી છે. સામાન્ય રીતે, અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઈમ નોકરી કરીને પોતાના ખર્ચાઓ પૂરા કરતા હતા, પરંતુ ટ્રમ્પના વહીવટીતંત્રે તેમના માટે આ મુશ્કેલ બનાવી દીધું છે.

નવા સરકારી આંકડાઓ મુજબ, પૂરતી હાજરી ન હોવા અને ગેરકાયદેસર નોકરી કરવાને કારણે તાજેતરમાં 4700 થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. લોસ એન્જલસના એક 25 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકારી તપાસને કારણે તેની પાર્ટ-ટાઇમ રેસ્ટોરન્ટની નોકરી છૂટી ગઈ, જેના કારણે તેની આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ છે. અગાઉ, તે અભ્યાસની સાથે દિવસના આઠ કલાક કામ કરી પોતાનો ખર્ચ સરળતાથી કાઢી લેતો હતો.

એક અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું કે, તેને એક રેસ્ટોરન્ટમાં નોકરી તો મળી ગઈ, પરંતુ તેને દિવસમાં ત્રણ કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આનાથી તેની કમાણી ઓછી થઈ ગઈ. હવે આવા વિદ્યાર્થીઓ ન તો ભાડાઈ વ્યવસ્થા કરી શકે છે કે ન તો કરિયાણાનો સામાન ખરીદી શકે છે. આર્થિક તંગીના કારણે ઘણા વિદ્યાર્થીઓએ નાના ઘરમાં રહેવું પડે છે અથવા તો એક જ રૂમમાં ઘણા વિદ્યાર્થીઓને સાથે રહેવા મજબૂર થવું પડ્યું છે.

એટલાન્ટામાં રહેતા 27 વર્ષના કમ્પ્યુટર સાયન્સના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, પહેલા તે મહિને લગભગ 1200 ડોલર કમાતો હતો, જે તેના રહેવા-જમવાના ખર્ચ માટે પૂરતા હતા. પરંતુ વીઝા નિયમો કડક થવાથી હવે તેની કમાણી 300 ડોલર સુધી સીમિત થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે હવે તે બે રૂમના મકાનમાં છ લોકો સાથે રહે છે.

વીઝા નિયમોમાં આ કડકાઈ સત્તાવાર આંકડાઓમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. માર્ચ 2025 સુધીમાં ભારતમાંથી સક્રિય વિદ્યાર્થી નોંધણીમાં વર્ષ-દર-વર્ષ 28%નો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે ત્યાંનું વાતાવરણ કેટલું પ્રતિકૂળ બન્યું છે.

Back to top button
error: Content is protected !!