MORBI: મોરબી શિક્ષક દિવસની ઉજવણી – સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા

MORBI: મોરબી શિક્ષક દિવસની ઉજવણી – સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા
શિક્ષણનો પ્રકાશ ફેલાવતા અને મૂલ્યોનું વાવેતર કરતા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દર વર્ષે ઉજવાતા શિક્ષક દિવસને અનુલક્ષીને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવવાનો અનુભવ કર્યો. પ્રિન્સિપાલ પદ માટે કુલ ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના નામો નોંધાયા હતા. લોકશાહી પદ્ધતિને અનુસરતાં ઉત્સાહભેર ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીના પરિણામે હળવદિયા પ્રકાશને પ્રિન્સિપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા, જ્યારે સુમરા સાહિલને વાઈસ પ્રિન્સિપાલ તરીકે નિમણૂંક મળી.
શાળાના દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષક બની પોતાના મિત્રો સુધી જ્ઞાન પહોંચાડતા જોવા મળ્યા. આ અનુભવથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંકલન અને સંવાદ કૌશલ્યોનો વિકાસ થયો.
કાર્યક્રમ દરમિયાન કુલ ૧૮ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પોતાના વિચારો રજૂ કર્યા, શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક મંતવ્યો રજૂ કર્યા, જેને સાંભળીને સમગ્ર શાળા ગર્વ અનુભવતી થઈ.
શાળા પ્રાંગણમાં સૌના ચહેરા પર આનંદ છવાઈ ગયો જ્યારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપી તેમની મહેનત અને હિંમતને વધાવી. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શિસ્ત અને જ્ઞાનના મહત્વ પર માર્ગદર્શન આપ્યું.
અંતે કાર્યક્રમને અવિસ્મરણીય બનાવવા ગ્રૂપ ફોટો લઇ અને સાથે મળી અલ્પાહાર કરી છુટા પડ્યા.આ આયોજન દ્વારા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહ અને સન્માનનો સંબંધ વધુ મજબૂત બન્યો અને શિક્ષક દિવસની ઉજવણી સ્મરણીય બની.
 
				









