શિક્ષક દિન નિમિત્તે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની આચાર્યા જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : દર વર્ષે 5 સપ્ટેમ્બર, રાષ્ટ્રપિતા સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં શિક્ષક દિન ઉજવાય છે. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનોખું અને પ્રેરણાદાયી યોગદાન આપનારા શિક્ષકોને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં રાજ્યભરના પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની આચાર્યા જાગૃતિબેન પટેલનો પણ સમાવેશ થયો છે.
છેલ્લા 23 વર્ષથી શિક્ષણક્ષેત્રે અવિરત સેવારત જાગૃતિબેને ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે માત્ર શૈક્ષણિક ઉત્તમતા સુધી જ સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં સમાજસેવા, નેતૃત્વ અને રાષ્ટ્રભાવના જેવા જીવનમૂલ્યો વિકસે તે માટે અનેક નવીન પ્રકલ્પો હાથ ધર્યા છે.
શિક્ષણ સાથે સમાજસેવાના મૂલ્યોનો સંચાર
જાગૃતિબેનના નેતૃત્વ હેઠળ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલને 2012-13, 2018-19 અને 2022-23માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શાળાનું બોર્ડ પરિણામ સતત 90%થી વધુ રહે છે. તેમણે શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓને સમાજસેવામાં જોડવાના અનેક પ્રયોગો કર્યા છે. ઈન્ટરેક્ટ ક્લબ, સોલ્જર વેલ્ફેર ફંડ, રાષ્ટ્રધ્વજ યાત્રા, રામ સ્વાગત યાત્રા અને દવા દાન જેવી પહેલો દ્વારા તેમણે વિદ્યાર્થીઓને નાગરિક ફરજ અને સેવા ભાવના તરફ દોરી ગયા છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનોખી પહેલ
વર્ષ 2018થી શાળામાં અટલ ટીંકરીંગ લેબ શરૂ કરવામાં આવી હતી. તેના પરિણામે વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. વર્ષ 2021-22માં આંતરરાષ્ટ્રીય Codeavour સ્પર્ધામાં શાળાની એક ટીમે 60,000 ટીમોમાંથી 14મું સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું. વધુમાં, યુએસ એમ્બેસી અને PRATHAM NGO Indiaના સહયોગથી English Access Microscholarship Program શરૂ થયો હતો, જેના દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય અંગ્રેજી ભાષા અને નેતૃત્વ તાલીમ મળી.
દેશપ્રેમ અને શહીદ પ્રત્યેની કૃતજ્ઞતા
જાગૃતિબેનના માર્ગદર્શન હેઠળ શાળામાં ‘સોલ્જર વેલ્ફેર ફંડ બોક્સ’ મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના જન્મદિવસ કે શુભ પ્રસંગે તેમાં ફાળો આપે છે. વર્ષ 2024-25માં આ ફંડમાં 1,55,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ સિવાય વર્ષ 2018-19માં શાળાએ 6,51,000 રૂપિયા સૈનિક કલ્યાણ માટે આપ્યા હતા.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન
જાગૃતિબેનને તેમના કારકિર્દીમાં અનેક પુરસ્કાર અને એવોર્ડ મળ્યા છે.
-
મે 2025માં ‘યશ ગાથા ગુજરાતની’ એવોર્ડથી સન્માનિત.
-
માર્ચ 2025માં અહલ્યાબાઈ એવોર્ડ એનાયત.
-
ફેબ્રુઆરી 2024માં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શાળા પ્રથમ ક્રમે રહી.
-
2013માં કન્યાઓના 100% પરિણામ બદલ 10,000 રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત.
-
2009માં NCERT તરફથી ઉત્તમ વ્યવસાયલક્ષી પ્રવાહ એવોર્ડ.
જાગૃતિબેનના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ આજે ડૉક્ટરી, ઈજનેરી, ન્યાયિક, ઔદ્યોગિક અને વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. તેમના આ પ્રયત્નો સાબિત કરે છે કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન નહીં આપે પરંતુ જીવન જીવવાની કળા પણ શિખવે છે.
શિક્ષક દિનના અવસરે મળનારો આ રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જાગૃતિબેનના અવિરત પરિશ્રમ, સમર્પણ અને કન્યા કેળવણી પ્રત્યેના વિશાળ યોગદાનને યોગ્ય માન્યતા આપશે.