ગોધરામાં મહિલાઓના સમાન અધિકારો અને આરોગ્ય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ભાગ્યોદય મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના સહયોગથી ગોધરાની એસ.પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કિશોરીઓ માટે “મહિલા સમાનાધિકાર જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સમાન અધિકારો વિશે કિશોરીઓને માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથાર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પોષણ નિષ્ણાતોએ સંતુલિત આહાર, એનિમિયા અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના ઉપયોગ પર માર્ગદર્શન આપ્યું હતું. વકીલ પરિમલભાઈ પાઠકે કિશોરીઓના કાનૂની હક્કો, બાળ લગ્ન અટકાવવા અને કાનૂની સુરક્ષા વિશે જાણકારી આપી. મહિલા સશક્તિકરણ માટેની સરકારી યોજનાઓ, સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ પર પણ માહિતી આપવામાં આવી હતી. ગાયનેકોલોજિસ્ટ ડૉ. ખુશ્બુ પ્રજાપતિ અને ડૉ. જીલ પટેલે કિશોરી વયની આરોગ્ય સમસ્યાઓ, માસિક સ્વચ્છતા અને સામાજિક ગેરમાન્યતાઓ વિશે વિગતવાર સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ કિશોરીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કાયદાકીય અને સરકારી યોજનાઓની માહિતી ધરાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, જેમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.