ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર, ગોલ્ડન બ્રિજ ખાતે જળસપાટી ૨૫ ફૂટે પહોંચી, તંત્ર દ્વારા પૂરની સ્થિતિનું મોનિટરિંગ.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં નર્મદા નદી ગાંડીતૂર બની છે. નદીના જળસ્તરમાં ઝડપી વધારો થતાં ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે પાણીની સપાટી 25 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટી (24 ફૂટ) થી માત્ર એક ફૂટ દૂર છે. નદીનું જળસ્તર ચેતવણી સપાટી (22 ફૂટ) ને વટાવી જતાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જળસ્તરમાં થઈ રહેલા વધારાને કારણે કસક ગુરુદ્વારા, ફૂર્જા બંદર અને અંકલેશ્વર બાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, નર્મદા નદીની સપાટી 27 ફૂટ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ મોટી સમસ્યાની શક્યતા નથી, પરંતુ જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા માટે પણ તંત્ર સજ્જ છે. આ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા જાળવવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કલેક્ટરે લોકોને નદીકાંઠા, તટ વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી ભીડ ન કરવા જણાવ્યું છે. સાથે જ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ વિનંતી કરી છે. હાલ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.



