BHARUCHBHARUCH CITY / TALUKO

વાગરા: સાંચણ પાસે ગમખ્વાર અકસ્માત, હેઝાર્ડ વેસ્ટના ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું

સમીર પટેલ, ભરૂચ

 

વાગરા તાલુકાના સાંચણ ગામ નજીક રવિવારે રાત્રે એક કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલી એક ટ્રક અને પાછળથી આવી રહેલી કાર વચ્ચે અટવાયેલા ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે GJ-27-TD-0273 નંબરની એક ટ્રક સાંચણ ગામ પાસે રોડની સાઈડમાં ઊભી હતી. આ ટ્રકમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલો હતો. ટ્રકનો ચાલક ટ્રકના પાછળના ભાગે કંઈક કામ કરી રહ્યો હતો. અને દોરડું બાંધી રહ્યો હતો. તે જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર જેના ચાલકને ઊભેલી ટ્રક દેખાઈ નહીં અને તે ધડાકાભેર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. કારની ટક્કર એટલી પ્રચંડ હતી. કે ટ્રક ચાલક ટ્રક અને કારની વચ્ચે સપડાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં તે કચડાઈ ગયો અને ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો પણ કચ્ચરધાણ વળી ગયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કારમાં સવાર બે યુવકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બંને યુવકો બદલપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે વાગરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે ભરૂચની મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!