જીએસટી સુધારાથી દેશને રૂ.૨૦ લાખ કરોડનો ફાયદો થશે : કેન્દ્ર સરકારનો દાવો

ભારત સરકારે જીએસટીમાં કરાયેલા સુધારા અંગે દાવો કર્યો છે કે આ સુધારા દેશના અર્થતંત્રને રૂ.૨૦ લાખ કરોડનો ફાયદો પહોંચાડશે. નવું જીએસટી માળખું ૨૨ સપ્ટેમ્બરથી અમલી બનશે, જેમાં સામાન્ય વપરાશકર્તાને હવે માત્ર બે જ દરો – ૫% અને ૧૮% ચૂકવવા પડશે. લક્ઝરી પ્રોડક્ટ્સ માટે વધારાના ૪૦% સ્લેબની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે, આ ઐતિહાસિક સુધારા કારણે કેન્દ્ર સરકારને આશરે રૂ.૪૮ હજાર કરોડની ખોટ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સુધારાથી દેશના અર્થતંત્રને મોટો લાભ થશે. તેમના જણાવ્યા મુજબ, દેશનું અર્થતંત્ર મુખ્યત્વે વપરાશ આધારિત છે અને જીડીપીમાં વપરાશનો હિસ્સો ૬૧% કરતાં વધુ છે. હાલમાં દેશનો જીડીપી આશરે ૩૩૦ લાખ કરોડ છે, જેમાંથી ૨૦૨ લાખ કરોડ વપરાશ દ્વારા આવે છે. વૈષ્ણવે દલીલ કરી હતી કે જો વપરાશમાં ફક્ત ૧૦%નો પણ વધારો થશે તો જીડીપીમાં રૂ.૨૦ લાખ કરોડનો વધારો થશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે જીએસટીમાં કરાયેલા સુધારો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ્સ સાથે કોઈ રીતે સંકળાયેલો નથી. આ તૈયારી લગભગ દોઢ વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને વડાપ્રધાન મોદીના “સુધારો, પ્રદર્શન અને પરિવર્તન”ના લક્ષ્યોનો એક અગત્યનો ભાગ છે. વૈષ્ણવે કહ્યું કે નવું જીએસટી માળખું ભારતની પરિવર્તન યાત્રાની નવી શરૂઆત સાબિત થશે.



