MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના પીડીઆરટી વોર્ડમાં નર્સિંગ સ્ટાફની દાદાગીરી – દર્દીઓ અને સગાઓ પર ગેરવર્તનના આક્ષેપો

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના પીડીઆરટી વોર્ડમાં નર્સિંગ સ્ટાફની દાદાગીરી – દર્દીઓ અને સગાઓ પર ગેરવર્તનના આક્ષેપો
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી સિવિલ હોસ્પિટલના પીડીઆરટી વોર્ડમાંથી નર્સિંગ સ્ટાફ અંગે ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ પોતાના મૂળભૂત કામકાજમાં તો બેદરકારી દાખવી જ રહ્યા છે, સાથે સાથે દર્દીઓ તેમજ તેમના સગાઓ સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.
દર્દીઓના સગાઓનું કહેવું છે કે, જો તેઓ કોઈ નર્સિંગ સ્ટાફને સારવાર કે દવાઓ અંગે પૂછવા જાય તો તેમને યોગ્ય જવાબ મળતો નથી. ઘણીવાર રુખા સ્વરે વાત કરી પાછા ધકેલી દેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ વર્તન અંગે સુપરવાઇઝરને જણાવે તો સુપરવાઇઝર પણ સ્ટાફને સમજીને સમજાવવાના બદલે તેમના પક્ષમાં જ ઊભા રહી ગેરવર્તન કરે છે.
વોર્ડના ઈન્ચાર્જની બાબતમાં પણ દર્દી સગાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ઈન્ચાર્જ પોતાના મનપસંદ સ્ટાફને આરામદાયક ફરજો આપીને વાળાવાળા રૂપે વર્તે છે, જ્યારે અન્ય સ્ટાફને ભારે દોડધામવાળા કામો સોંપવામાં આવે છે. આ પ્રકારની “વાલા–દવલા” નીતિને કારણે વોર્ડનું વાતાવરણ વધુ બગડતું જાય છે.
દર્દીઓના સગા વાસેથી વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે નર્સિંગ સ્ટાફ પોતે પણ એકબીજાથી સહકાર આપતા નથી અને વોર્ડમાં અવ્યવસ્થા સર્જાય છે. લોકોએ માગણી કરી છે કે હાલના સ્ટાફને પરસ્પર બદલી કરીને નવો અને જવાબદાર સ્ટાફ મૂકવામાં આવે, જેથી દર્દીઓને યોગ્ય સારવાર અને સન્માન મળી શકે.
સામાન્ય જનતામાં ચર્ચા ચાલી રહી છે કે સિવિલ હોસ્પિટલ જેવી સરકારી આરોગ્યસેવા સંસ્થા જ્યાં દર્દીઓને સહાનુભૂતિ અને સંવેદનશીલ સેવા મળવી જોઈએ, ત્યાં જ સ્ટાફની બેદરકારી અને દાદાગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે હોસ્પિટલ તંત્ર કે આરોગ્ય વિભાગ આવા આક્ષેપોને ગંભીરતાથી લઈને કોઈ કડક કાર્યવાહી કરે છે કે નહીં.










