આણંદ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ માં 25000 રૂ માંગ્યા લાંચ લેતા ઝડપાયા

આણંદ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ માં 25000 રૂ માંગ્યા લાંચ લેતા ઝડપાયા
તાહિર મેમણ -આણંદ – 09/09/2025 આણંદ જિલ્લા અદાલતમાં ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માનગની મીરને એસીબીએ લાંચ લેતા પકડ્યા છે. આરોપીએ ફરિયાદી પાસેથી તેના મકાનનો કબ્જો બેંકને સોંપવાની પ્રક્રિયાની જાણકારી આપવા માટે કુલ ₹25,000ની લાંચની માંગણી કરી હતી.
એક બેંક દ્વારા SARFAESI એક્ટ હેઠળ ફરિયાદીના મકાનનો કબ્જો મેળવવા માટે આણંદ સિવિલ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. કોર્ટે 23 એપ્રિલ 2025ના રોજ મકાનનો કબ્જો બેંકને સોંપવાનો આદેશ કર્યો હતો. 31 ઓગસ્ટ 2025ના રોજ કોર્ટ કમિશનર અને આરોપી કબ્જો લેવા ગયા હતા, પરંતુ તે શક્ય બન્યું નહોતું.
ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી કબ્જાની પ્રક્રિયા અને આગામી નોટિસની માહિતી આપવા માટે લાંચની માંગણી કરી. તેણે અગાઉ ₹10,000 લીધા હતા અને હવે બાકીના ₹15,000ની માંગણી કરી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીએ અમૂલ ડેરી નજીક છટકું ગોઠવ્યું હતું. આરોપી ઉસ્માનગની મીર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. તે ઈકરા રેસિડેન્સી, ભાલેજ ઓવરબ્રિજ પાસે, આણંદનો રહેવાસી છે. એસીબીએ તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.





