સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે, 452 મત મેળવીને ચૂંટણી જીતી લીધી
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો આવી ગયા છે. એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં વિપક્ષના બી. સુદર્શન રેડ્ડીને હરાવીને જીત્યા હતા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા જ્યારે રેડ્ડીને માત્ર 300 મત મળ્યા. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ પરિણામો જાહેર કર્યા. ભાજપે ક્રોસ વોટિંગનો પણ દાવો કર્યો છે.

નવી દિલ્હી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં જીત્યા છે અને આ સાથે તેઓ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ ચૂંટણીના પરિણામો જાહેર કર્યા.
આ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા. વિપક્ષે તેમની સામે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા હતા. રેડ્ડીને માત્ર 300 મત મળ્યા. ભાજપે દાવો કર્યો છે કે ચૂંટણીમાં ઘણું ક્રોસ વોટિંગ થયું હતું.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં, NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સંયુક્ત વિપક્ષના ઉમેદવાર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી સાથે સીધી સ્પર્ધામાં હતા. સોમવારે, શાસક અને વિપક્ષ બંને છાવણીઓમાં સંસદ પરિસરમાં રાજકીય ધમાલ મચી ગઈ હતી. શાસક NDA ગઠબંધનના સાંસદોની વર્કશોપ મીટિંગમાં, ચૂંટણી પ્રક્રિયા અને મતદાનની પદ્ધતિ સમજાવવામાં આવી હતી.
સી.પી.રાધાકૃષ્ણન જે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે, બે વખત લોકસભા સભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. સી.પી. રાધાકૃષ્ણનનો જન્મ 4 મે, 1957ના રોજ તિરુપુર, તમિલનાડુમાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા. ત્યારથી તેઓ સતત સંગઠન અને ભાજપમાં સક્રિય રહ્યા છે. કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાંથી તેઓ 1998 અને 1999માં સતત બે વખત સંસદમાં પહોંચ્યા હતા, જોકે 2014 અને 2019ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજકીય કારકિર્દીમાં તેમણે ભાજપના તમિલનાડુ રાજ્ય પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. 2004થી 2007 દરમિયાન તેમણે આ પદ પર રહીને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાની મોટી જવાબદારી સંભાળી હતી. તેમના સંગઠન કુશળતા માટે તેઓ ઓળખાય છે. રાધાકૃષ્ણનને 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં 2024માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે જવાબદારી સોંપાઈ હતી.
સી.પી. રાધાકૃષ્ણને વર્ષ 2004થી 2007 દરમિયાન તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ સમયમાં તેમણે 93 દિવસની રથયાત્રા યોજી હતી, જેનુ મુખ્ય ઉદ્દેશ નદીઓનું જોડાણ, આતંકવાદ સામે જાગૃતિ અને અસ્પૃશ્યતાનું સમૂલ નાબૂદીકરણ હતું. તેઓ સંસદમાં કાપડ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા હતા અને સાથે જ નાણાકીય તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સંબંધિત વિવિધ સમિતિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.કોઈમ્બતુરની VO ચિદમ્બરમ કોલેજમાંથી તેમણે BBAની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.




