જુલાઈમાં અમેરિકામાં ભારતની કાપડ નિકાસ ૯% વધી, ચીનની નિકાસ ૩૫% ઘટી…!!
જુલાઈ મહિનામાં અમેરિકા તરફ ભારતની કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 9.1 ટકાનો વધારો નોંધાયો છે. યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશનના આંકડા મુજબ, એક વર્ષ પહેલા સમાન સમયગાળાની સરખામણીમાં આ વૃદ્ધિ નોંધાઈ છે. જૂન મહિનામાં પણ ભારતની નિકાસમાં એક મહિના પહેલાની તુલનામાં 12 ટકા ઉછાળો આવ્યો હતો. નિષ્ણાતોના મતે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા બદલોના ટેરિફ અમલમાં આવતા પહેલાં ભારતીય નિકાસકારોએ મોટા પ્રમાણમાં માલ મોકલ્યો, જેના કારણે આ વધારો શક્ય બન્યો.
ભારતીય કાપડ ઉદ્યોગ સંઘના વિશ્લેષણ મુજબ, જુલાઈમાં જોવા મળેલી વૃદ્ધિ હોવા છતાં ભારતની કુલ નિકાસ હજી તેના મુખ્ય સ્પર્ધકો કરતાં ઓછી છે. તિરુપુરના નિકાસકારોએ જણાવ્યું કે યુએસની મોટી બ્રાન્ડ્સે ભારતીય નિકાસકારોને ઓર્ડર જાળવી રાખવા માટે 5-8 ટકાના ડિસ્કાઉન્ટ પર સમજૂતી આપી છે.
ગયા વર્ષની જુલાઈની સરખામણીમાં વિયેતનામ અને બાંગ્લાદેશમાંથી યુએસમાં કાપડની આયાત 14.2 ટકા વધી છે, જ્યારે વસ્ત્રોની આયાત 5.2 ટકાથી વધી છે. ભલે જૂનની સરખામણીમાં વૃદ્ધિ થોડું ધીમી પડી હોય, પરંતુ બંને દેશોએ યુએસ બજારમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. બીજી બાજુ, ચીને યુએસમાં પોતાની નિકાસમાં 35 ટકાનો મોટો ઘટાડો અનુભવ્યો છે.
જાન્યુઆરીથી જુલાઈ 2025 દરમિયાન ભારતની યુએસ તરફની કુલ કાપડ અને વસ્ત્રોની નિકાસ 11.4 ટકાથી વધી 6.22 અબજ ડોલર પહોંચી છે, જે 2024ના સમાન સમયગાળામાં 5.58 અબજ ડોલર હતી. હાલ ભારતનું કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર દેશના જીડીપીમાં આશરે 2 ટકા યોગદાન આપે છે અને રોજગાર સર્જન માટે સૌથી મોટા ક્ષેત્રોમાંનું એક ગણાય છે. અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યાં દેશની કુલ કાપડ અને વસ્ત્ર નિકાસનો લગભગ 28 ટકા હિસ્સો જાય છે.