આણંદ – જાગૃત નાગરિકે રિબન કાપી ખરાબ થયેલ રોડનું ઉદ્ઘાટન કર્યું, ફટાકડા ફોડી વિરોધ નોંધાવ્યો

આણંદ – જાગૃત નાગરિકે રિબન કાપી ખરાબ થયેલ રોડનું ઉદ્ઘાટન કર્યું, ફટાકડા ફોડી વિરોધ નોંધાવ્યો
તાહિર મેમણ – આણંદ – હર્ષિલ દવે જણાવે છે કે, જ્યારે નવા રોડ બને છે ત્યારે નેતાઓ રીબીન કાપવા અને ખાતમુહુર્ત કરવા આવે છે. તેવી જ રીતે આજે અમે સામાન્ય નાગરિકો ગ્રીડ ચોકડીથી ભાલેજ ઓવરબ્રિજ સુધીનો રૂપિયા 2.14 કરોડના ખર્ચે નવો બનાવેલો આઈકોનિક રોડ માત્ર 20 દિવસમાં ધોવાઈ ગયો તેના વિરોધમાં અમે પણ રીબીન કાપી વિરોધ નોંધાયો છે. સાથે સાથે ફટાકડા પણ ફોડી આ સરકાર અને તંત્રના આંખ ખોલવા પ્રયાસ કર્યો છે, કારણ કે જનતાના ટેક્ષના 2.14 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે.આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રણેક મહિના અગાઉ શહેરના મુખ્ય ગણાતાં ગ્રીડ ચોકડીથી લઈને ભાલેજ ઓવરબ્રિજ સુધીનો માર્ગ રૂપિયા 2.14 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવ્યો હતો અને આ માર્ગને આઈકોનિક માર્ગ નામ આપવામાં આવ્યું હતું. જોકે, આ આઈકોનિક માર્ગ બન્યાને વીસેક દિવસમાં જ ઠેર-ઠેર ખાડાઓ પડવા લાગ્યાં હતાં.
જેમ-જેમ દિવસો પસાર થયાં તેમતેમ આ આઈકોનિક માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય વધતું ગયું. હાલ તો આ માર્ગ આખેઆખો ધોવાઈ ગયો છે. ત્યારે, આ માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી તકલીફોને ધ્યાનમાં લઇ શહેરના જાગૃત નાગરિક હર્ષિલભાઈ દવે દ્વારા ગત તારીખ 2 જુલાઈના રોજ મહાનગરપાલિકા કચેરીમાં જઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને વહેલીતકે ખાડાઓ પુરવા તેમજ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર જી.જે.પટેલને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉચ્ચારી હતી. પરંતુ મનપા તંત્રએ આજદિન સુધી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા ન હોવાથી તેમજ ખાડા પણ પુર્યાં ન હોવાથી આજરોજ શહેરના જાગૃત નાગરિક હર્ષિલભાઈ દવેએ માત્ર વીસ દિવસમાં જ ખખડધજ બનેલાં રૂપિયા 2.14 કરોડના આઇકોનિક માર્ગનું રિબન કાપી ઉદ્ઘાટન કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે.





