
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
રામપર વેકરા ગુરુકુળમાં ગોબર સ્નાન કાર્યક્રમ યોજાયો
રામપર-વેકરા, તા. 11 : તાજેતરમાં માંડવી તાલુકાના તપોવન ધામ ગુરુકુળ, રામપર-વેકરા ખાતે ચંદ્ર ગ્રહણના પવિત્ર દિવસે એક અનોખા સામુહિક ગોબર સ્નાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૧૩૨ જેટલાં સંતો, વડીલો અને બાળકો સહિતના ગૌભક્તોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયના પંચગવ્યના ગુણોથી લોકોને પરિચિત કરાવવાનો અને ગૌસેવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમમાં દેશી કાંકરેજ ગાયના પંચગવ્ય (ગોબર, ગોમૂત્ર, દૂધ, દહીં અને ઘી) અને ચંદન પાઉડરના સપ્રમાણ મિશ્રણથી બનેલા ખાસ લેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હાજર રહેલા પૂજ્ય શ્રી દેવચરણ સ્વામીએ શ્લોક રટણ અને આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે ગૌપ્રેમી મેઘજીભાઈ હિરાણીએ ગાયનું મહત્વ અને ગૌપાલન વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. કાર્યક્રમમાં આર.એસ.એસ. ગૌસેવા ગતિવિધિ પ્રકલ્પની જાણકારી આપતા કચ્છ વિભાગના કાર્યવાહ રવજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને જીવનમાં પંચગવ્યથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા માટે પણ અનુરોધ કર્યો.
આ વિશેષ કાર્યક્રમની માહિતી પી.ટી.સી. કોલેજ મુંદરાના નિવૃત્ત પ્રોફેસર ડો. કેશુભાઈ મોરસાણીયા દ્વારા આપવામાં આવી હતી. તેમણે આ અનુભવને અદ્ભુત અને સ્વર્ગીય ગણાવ્યો હતો અને જણાવ્યું કે દર મહિને યોજાતા આ પ્રકારના કાર્યક્રમોમાં નવા મિત્રો અને ગૌભક્તો પણ જોડાઈ શકે છે, જેના માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.



(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)




