BHARUCHBHARUCH CITY / TALUKO

વાગરા: વિલાયત-દેરોલ માર્ગ પર પ્રજા પરેશાન, રસ્તાનું કામ બન્યું માથાનો દુખાવો, ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન

સમીર પટેલ, ભરૂચ

 

વાગરા તાલુકાના વિલાયત-દેરોલ માર્ગ પર ચાલી રહેલા અધૂરા અને બેદરકારીભર્યા કામને કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે. એક તરફ રસ્તા પરના ખાડાઓનું સામ્રાજ્ય છે, તો બીજી તરફ રોડના કામને કારણે ઉડતી ધૂળની ડમરીઓ ટુ-વ્હીલર ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ માર્ગની હાલત જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે તંત્રની બેદરકારી અને કામ કરનાર એજન્સીની આવડતનો અભાવ પ્રજા માટે આફત બની રહ્યો છે. અનેક રજૂઆતો બાદ આખરે માર્ગનું કામ તો શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને માત્ર કામ પતાવવામાં રસ છે, ગુણવત્તામાં નહીં. ધૂળના કારણે વાતાવરણ એટલું ધૂંધળું બની જાય છે કે વાહનચાલકોને સામેથી આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. શ્વાસમાં જતી ધૂળને કારણે આરોગ્યને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે.

આ મુદ્દે વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. શું તંત્ર માત્ર કામ શરૂ કરીને સંતોષ માની રહ્યું છે? શું એજન્સીની કામગીરી પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી? આ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, તંત્ર મૌન સેવીને બેઠું છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને કામની ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો પ્રજાનો રોષ વધુ ઉગ્ર બનશે. આ ગંભીર પરિસ્થિતિનું તાત્કાલિક નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે. વહીવટી તંત્રએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ પાઠવીને કામની ગુણવત્તા સુધારવા અને માર્ગને ધૂળમુક્ત બનાવવા માટે પગલાં ભરવા જોઈએ. જો ટૂંકાગાળામાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો વાહનચાલકો અને સ્થાનિકોનો રોષ વધુ ઉગ્ર બનશે. જો તંત્ર બેદરકારી ચાલુ રાખશે. તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી શકાય છે, જેથી તંત્ર જાગીને યોગ્ય કાર્યવાહી કરવા મજબૂર બને. આ સમસ્યાનું ઝડપી અને અસરકારક નિરાકરણ જ પ્રજાને હાલાકીમાંથી મુક્તિ અપાવી શકે છે.

Back to top button
error: Content is protected !!