અંકલેશ્વરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ:8 ફાયર ફાઈટર્સ દ્વારા 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાયો, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે (13 સપ્ટેમ્બર) સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નવજીવન હોટલ પાસે આવેલા આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 જેટલા ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ટીમોએ સતત 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે ગોડાઉનની આસપાસનો માર્ગ કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હાલ ચાલુ છે.