વર્ષો સુધી સંમતિથી શારીરિક સંબંધ બાંધે છે, તો તેને દુષ્કર્મની શ્રેણીમાં મૂકી ન શકાય.:અલ્લાહાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઇકોર્ટે પ્રેમ સંબંધ અને શારીરિક સંબધ સાથે જોડાયેલા એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, જો મહિલા શરૂઆતથી જ જાણતી હોય કે, સામાજિક કારણોસર લગ્ન સંભવ નથી, તેમ છતા તે વર્ષો સુધી સંમતિથી શારીરિક સંબંધ બાંધે છે, તો તેને દુષ્કર્મની શ્રેણીમાં મૂકી ન શકાય.
આ કેસ બે એકાઉન્ટન્ટ્સ સાથે જોડાયેલો છે. મહિલા એકાઉન્ટન્ટે આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2019માં તેના સહકર્મીએ જન્મદિવસની પાર્ટીના બહાને તેને ઘરે બોલાવી અને નશીલો પદાર્થ પીવડાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાનું કહેવું છે કે, આરોપીએ વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ કર્યું અને બાદમાં લગ્નનું વચન આપ્યું હતું. પરંતુ ચાર વર્ષ બાદ મારી જાતિ વિશે મ્હેણું મારીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી તો કોઈએ ફરિયાદ દાખલ ન કરી. ત્યાર બાદ તેણે એસ.સી-એસયટી વિશેષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી. જોકે, વિશેષ અદાલતે આમાં દુષ્કર્મનો કેસ નથી બનતો એવું કહીને ફરિયાદ રદ કરી દીધી હતી. ત્યારબાદ મહિલાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયની માંગ કરી હતી.
કોર્ટમાં આરોપી એકાઉન્ટન્ટ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પીડિતાએ ખુદ પોલીસ સ્ટેશનમાં એસપીને લેખિતમાં કહ્યું હતું કે, તે કોઈ કાર્યવાહી કરવા નથી ઈચ્છતી. આ સાથે જ તેનું એ પણ કહેવું હતું કે, આરોપીએ પીડિતાને આપેલા 2 લાખ રૂપિયા પરત માંગતા તેણે ફરિયાદ દાખલ કરાવી હતી.
જસ્ટિસ અરૂણ કુમાર સિંહ દેશવાલની સિંગલ બેન્ચે તમામ તથ્યો પર ધ્યાન આપ્યું અને બાદમાં પીડિતાની અરજી નકારી દીધી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, જો કોઈ મહિલા જાણે છે કે, આગળ જતા સામાજિક કારણોસર લગ્ન શક્ય નથી, તો પણ વર્ષો સુધી સંમતિ સાથે સંબંધ બાંધે છે, તો બાદમાં તેને દુષ્કર્મ ન કહી શકાય.