‘પાકિસ્તાન સામે રમવું શહીદોનું અપમાન’ : શહીદની પત્ની ઐશન્યા
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આવતીકાલે 14 સપ્ટેમ્બરે મેચ યોજાવા જઈ રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. એક વર્ષ પછી બંને ટીમો સામ સામે ટકરાશે. આ મેચને લઈને આ વખતે ભારતીય ફેન્સમાં એટલો ક્રેઝ નથી જોવા મળી રહ્યો. કારણ કે પાકિસ્તાની આતંકીઓએ જમ્મુ કાશ્મીરની પહેલગામ ઘાટીમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. જેને લઈને રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. વિપક્ષોનું કહેવું છે કે પાકિસ્તાન સામે રમવું શહીદોનું અપમાન છે.
પહેલગામમાં આતંકવાદીઓએ કાનપુરના શુભમ દ્વિવેદીની તેની પત્ની ઐશન્યા સામે ગોળી મારીને હત્યા કરી દીધી. શહીદની પત્ની ઐશન્યાએ કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂરમાં ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ છતાં મેચ યોજાઈ રહી છે. હું 28 વર્ષની છું અને હું સમજું છું કે આ મેચમાંથી જે પણ આવક થશે એનો ઉપયોગ શેના માટે થશે? પાકિસ્તાન એનો ઉપયોગ ફક્ત આતંકવાદ માટે કરશે, કારણ કે પાકિસ્તાનમાં આવનાર દરેક રૂપિયો આતંકવાદ તરફ જાય છે.
હું લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે, તેઓ આ દિવસે મેચ જોવા ના જાય કે ટીવી પણ મેચ ના નિહાળો. જો તમે મેચ દરમિયાન ટીવી ચાલુ નહીં કરો તો તેમને દર્શકો મળશે નહીં.
મને લાગે છે કે BCCI પાસે કોઈ લાગણીઓ નથી. હું આ બધા લોકોની શહાદતનું તમારા માટે કોઈ મૂલ્ય નથી. કદાચ એટલા માટે કે તમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું નથી. પાકિસ્તાન કે ભારત એકબીજાની ધરતી ઉપર મેચ નહીં રમે એટલે BCCIએ એક નવો રસ્તો શોધી કાઢ્યો કે આપણે બીજા દેશમાં જઈને રમીએ. એટલે જ આ રમત દુબઈમાં યોજાઈ રહી છે.
ભારત પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચને લઈને આપ પાર્ટીએ દિલ્હીમાં પુતળા દહન કર્યું. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પુતળાને આગ લગાવી ત્યારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ હાજર હતા. ‘લોહી અને મેચ એક સાથે નહીં ચાલે…’ એવા આપ કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતા.
ભારત પાકિસ્તાન મેચને લઈને BCCI સચિવે તાજેતરમાં જ કહ્યું હતું કે બોર્ડ સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના નિર્દેષોનું પાલન કરે છે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે ભારત- પાકિસ્તાનની સાથે ICCની ટુર્નામેન્ટમાં સાથે રમી શકે છે. પરંતુ પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય સીરિજ નહીં રમાય.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ-કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું કે, જ્યારે આપણા વડાપ્રધાન કહે છે કે “લોહી અને પાણી એકસાથે વહી શકતાં નથી, તો એવું તે શું થયું કે, જે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ લડતા હતા તેની સામે મેચ રમીશું. મેચ અને યુદ્ધ એકસાથે કેવી રીતે થઈ શકે? મને લાગે છે કે આ લોકો દેશભક્તિની મજાક બનાવી રહ્યા છે. એટલું જ નહીં દેશભક્તિનો વેપાર કરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે પહેલગામ હુમલામાં આપણી બહેનોનું સિંદૂર ઉજડ્યું તેના ઘા હજુ રૂઝાયા નથી. સેના પાકિસ્તાનને પાછળ ધકેલી રહી હતી ત્યારે ઓચિંતી કાર્યવાહી કેમ બંધ કરી? કોના કહેવાથી ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું. સરકાર પર ફક્ત પૈસા કમાવવા માટે દેશભક્તિનો વેપાર કરવાનો આરોપ લગાવતા જાહેરાત કરી કે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ની મહિલા કાર્યકરો આવતીકાલે સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તાઓ પર ઊતરશે. વડાપ્રધાન મોદીને દરેક ઘરમાંથી સિંદૂર મોકલીને પોતાનો વિરોધ નોંધાવશે. ઉદ્ધવ ઠાકરેએ 1980ના મોસ્કો ઓલિમ્પિકનું પણ ઉદાહરણ આપતા કહ્યું કે, અફઘાનિસ્તાનમાં રશિયાની ઘૂસણખોરીને કારણે અમેરિકા અને તેના સાથી દેશોએ બહિષ્કાર કર્યો હતો. જો ઓલિમ્પિક જેવી રમતો સમગ્ર વિશ્વમાં બંધ થતી હોય તો આંતકવાદ ફેલાવતા પાકિસ્તાન સામે ક્રિકેટની રમત કેમ બંધ ના થઈ શકે?
ભારત-પાકિસ્તાન મેચ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘જ્યારે દિલજીત દોસાંઝની ફિલ્મ બહાર આવી ત્યારે તેઓ કહે છે કે, આ દેશદ્રોહી છે. એને રોકો. પરંતુ જ્યારે મોટા સાહેબનો પુત્ર ICC અને BCCI સંભાળી રહ્યો છે તો બધું ઓકે થઈ ગયું.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘આપણી સમસ્યા હંમેશા દ્વિપક્ષીય ક્રિકેટ મેચો સાથે રહી છે, પરંતુ મને નથી લાગતું કે, મોટી ટુર્નામેન્ટના બહુપક્ષીય હિસ્સાથી આપણને કોઈ સમસ્યા થઈ હોય… જે બન્યું તેને નજરઅંદાજ ના કરી શકાય. મારું રાજ્ય સીધો શિકાર બન્યું છે. પહેલગામમાં શું થયું તે આપણે બધાએ જોયું છએ. આ આપણી હકિકતની ચિંતાઓ છે.