રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
નખત્રાણાના દેશલપર ગામની પ્રાથમિક શાળા પર જીવલેણ ખતરો: તાત્કાલિક પગલાંની માંગ
મુંદરા, તા.14 : કચ્છના નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે શાળાના ચાર વર્ગખંડો અત્યંત જર્જરિત હાલતમાં છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. વાલીઓ અને સ્થાનિક લોકોની વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે રોષ વધી રહ્યો છે.
શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલા બે ઓરડાની હાલત એટલી ખરાબ છે કે તે ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતા છે. ગામના જાગૃત નાગરિક જગદીશભાઈ પી. દવેએ આ અંગે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે, પરંતુ છેલ્લા બાર મહિનાથી પરિસ્થિતિ જૈસે થે રહી છે. વાલીઓનો આરોપ છે કે બાળકો દરરોજ જીવના જોખમે ભણવા જાય છે, અને જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? તે એક મોટો પ્રશ્ન છે.
સ્થાનિક નેતાઓ અને શિક્ષણ અધિકારીઓએ માત્ર આશ્વાસનો આપ્યા છે. સરપંચ નારાણ દેવજી ચાવડાએ વર્ગખંડોની ખરાબ હાલતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે જાણ કરવામાં આવી છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ આ બાબતની ગંભીરતા સ્વીકારીને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જરૂર પડે તો ભાડાનું મકાન રાખીને શાળા ચલાવવામાં આવશે, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી.
જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે જિલ્લામાં આવા 500 જેટલા જર્જરિત ઓરડાઓની ઓળખ થઈ છે અને તેમના સમારકામની શ્રદ્ધા છે. પરંતુ, વાલીઓનો પ્રશ્ન છે કે શું કચ્છ જિલ્લો માત્ર શ્રદ્ધાના ભરોસે ચાલશે? કચ્છ એક ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે, અને આવી પરિસ્થિતિમાં જર્જરિત ઓરડાઓ બાળકોના જીવ માટે બેવડું જોખમ ઊભું કરી રહ્યા છે. અગાઉ પણ કચ્છની પ્રાથમિક શાળાઓમાં અકસ્માતો થયા છે, ત્યારે તંત્ર વધુ એક અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
વાલીઓએ હવે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક જર્જરિત ઓરડાઓ બંધ કરીને બાળકો માટે સલામત સ્થળે શિક્ષણની વ્યવસ્થા કરવામાં નહીં આવે અને નવા મકાનના નિર્માણનું કામ શરૂ નહીં થાય, તો તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરીને વિરોધ પ્રદર્શન કરશે. ગામલોકો અને વાલીઓએ તાત્કાલિક અને નક્કર કાર્યવાહીની માંગ કરી છે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)