BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર, 6 બળવાખોર ઉમેદવારો સસ્પેન્ડ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં ભારે રાજકીય હલચલ મચી છે. પક્ષના મેન્ડેટને અવગણીને અપક્ષ ઉમેદવારી કરનારા સામે ભાજપે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ પગલાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે છ ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચેરમેન પદના મજબૂત દાવેદાર મનાતા જીગ્નેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાંસોટના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષના સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે પક્ષ હવે શિસ્તભંગને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 15 બેઠકોમાંથી 12 બેઠકો માટે નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની અને 3 બેઠકો માટે અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યો હતો. તેમ છતાં, રાણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેને પગલે પક્ષે આ પગલાં ભરવા પડ્યા. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મોટા નેતાઓ – ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણા – આમને-સામને આવી ગયા છે. આ જૂથવાદનું પરિણામ મતદાન પહેલાં જ સપાટી પર આવી ગયું છે અને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં પણ સમાન પ્રકારની કાર્યવાહી થવાની શક્યતા છે. આ સમગ્ર રાજકીય ડ્રામાએ ડેરીની ચૂંટણીને વધુ રોચક બનાવી દીધી છે.

Back to top button
error: Content is protected !!