Vinchhchiya: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયાના મોટી લાખાવડ ગામે તાલુકા વન મહોત્સવ યોજાયો
તા.૧૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની વધુ જરૂરિયાતના લીધે
આપણે વૃક્ષોનું મહત્વ સમજ્યા હતા.”- મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Vinchhchiya: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના સુખનાથ મહાદેવ મંદિર ખાતે તાલુકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ યોજાયો હતો.
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ સુખનાથ વન બે વર્ષ પહેલા બાવળના ઝાડથી છવાયેલું હતું. આ સંપૂર્ણ વિસ્તારને સાફ કરીને ફેન્સિંગ, રેતી, કપચી, પાંજરા સાથે રોપા , પિયત સહિતની વ્યવસ્થાઓ ઊભી કરીને મોટી લાખાવડ ખાતે સુખનાથ વન અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૫૧ પ્રકારના વિવિધ ઔષધીય વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. જસદણ અને વિંછીયા તાલુકાના હયાત વૃક્ષોનું જતન કરવું પણ જરૂરી છે. આપણે વૃક્ષોનું મહત્વ કોરોના સમયની ઓક્સિજનની અછત વખતથુ જાણીએ છીએ. ત્યાર બાદ વૃક્ષોનું વાવેતર વધુ કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોથી પર્યાવરણમાં ઓક્સિજનનું સંતુલન જળવાઈરહે તે માટે રાજ્યના વન વિભાગ અને લોકભાગીદારીથી વૃક્ષો વાવવા, જતન કરવા સહિતની કામગીરીઓને વેગ આપવામાં આવી રહ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે. તેનાથી અનેક પક્ષીઓ અને પ્રાણીઓને રહેવા અને ખોરાકની
વ્યવસ્થા મળી રહે છે. વિંછીયાના ખેડૂતોને પોતાની વાડીના શેઢે અને ગ્રામજનોએ જાહેર સ્થળો પરની ખુલ્લી જગ્યાઓ પર વૃક્ષો વાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ ૨.૦’ અભિયાનને સાર્થક કરવા દરેક નાગરિકોએ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાની અને આજીવન ઉછેર કરવાની નેમ લેવી જોઈએ.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.આર.રાઠવાએ શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સુખનાથ મહાદેવ મંદિર વિસ્તારને વન બનાવવા લોકભાગીદારીથી ૧૭,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વન વિભાગની વન કવચ યોજના અન્વયે ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષોની યોગ્ય જાળવણી થતાં વૃક્ષો ૧૦ ફૂટ જેટલા વિકાસ પામ્યા છે. આ વન ભગવાન મહાદેવના સાનિધ્યમાં હોવાથી પવિત્ર ઉપવન બનાવવા ધાર્મિક રીતે ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ વર્ષે સામાજિક વનીકરણ તથા સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી જસદણ અને વિંછીયા તાલુકામાં એક લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સનાળી ગામે ૧૨૮૦૦, વિંછીયા અને પારેવાળા એમ બંને ગામોમાં અનુક્રમે ૫૫૬, દડલી અને જસદણ બંને ગામોમાં અનુક્રમે ૧૦,૦૦૦, ઘેલા સોમનાથ મીનળદેવી મંદિર સામે ૫૦૦૦ એમ કુલ ૩૮,૦૦૦થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત, જનડા અને લાલાવદર ગામમાં અનુક્રમે ૧૦૦, કોટડા અને ઘેલા સોમનાથ ગામમાં અનુક્રમે ૫૦ એમ કુલ મળીને ૩૦૦ જેટલા પિંજરા સાથે રોપાઓનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અર્જુન, સાદડ, અરીઠા, ગરમાળો, કોઠા, આંબલી, લીંબડો, રાવણા, આસોપાલવ, અરડૂસી, પારીજાત, પારસ પીપળો સહિતના જુદા જુદા રોપાઓનું વાવેતર કરાયું છે.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ, મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. મહાનુભાવોનું
તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અગ્રણીશ્રી દેવરાજભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાખાવડ સરપંચ શ્રી નયનભાઈ વાલાણી, અગ્રણી સર્વે શ્રી ભરતભાઈ વાળા, શ્રી ભુપતભાઈ, શ્રી પ્રવીણભાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જે.પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ખામલા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.