વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.આહવાના ડુંગરી ફળિયામાં મોડી રાત્રે એક કદાવર દીપડો જોવા મળ્યો હતો. એક પરિવાર પોતાની કારમાં બેસીને આ દીપડાનો વીડિયો પણ બનાવ્યો હતો અને અન્ય લોકોને સાવચેત રહેવા તથા ઘરમાંથી બહાર ન નીકળવા જણાવ્યુ હતુ.આહવા શહેરના ડુંગરી ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે એક પરિવાર પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક દીપડો જોવા મળ્યો હતો. પરિવારે હિંમતપૂર્વક પોતાની કારમાંથી જ દીપડાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દીપડો રસ્તાની વચ્ચે આરામથી ચાલી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.ઉલ્લેખનીય છે કે આહવા ખાતે અગાઉ પણ અનેકવાર દીપડો દેખાવાના કિસ્સા બન્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, છતાં દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં વારંવાર જોવા મળે છે. વન વિભાગ દ્વારા લોકોને રાત્રે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.આહવાનાં ડુંગરી ફળિયામાં દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.વધુમાં નાના બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.લોકોએ વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા અને દીપડાને પકડી પાંજરામાં પૂરી સલામત સ્થળે ખસેડવા માટે માંગ કરી છે, જેથી લોકો ભયમુક્ત થઈ શકે..