Rajkot: દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં
તા.૧૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક પગલાં લેવામાં આવે છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે કૃષિ વિભાગ મારફતે સમયાંતરે કૃષિમાં કોઈ પાકને નુકશાન થાય તેવું જણાતા સમયાંતરે તેનાથી બચવા માટેની માહિતી પૂરી પાડવામાં આવે છે. જેના ભાગ રૂપે દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે જરૂરી પગલાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેકટરે લગાવવા જેથી સમયસર નિયંત્રણના પગલાં લઈ શકાય. ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મી.લી. અથવા એઝાડિરેકટીન યુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મી.લી. સાથે ૧૦૦ મી.લી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસીયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છટકાવ કરવો. પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવાયું છે.