ઉમરેઠ પોલીસ ઇન્સ્પેકટરના ભેદી વર્તન બાબતે ઉમરેઠ સનાતની જનજાગરણ સમિતિ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર
ગણેશ મહોત્સવ વિસર્જન બાબત, વગર વોરંટ બતાયે ત્રણ પોલીસકર્મી મોડી રાત્રે એક ઘરમાં તપાસ અર્થે ઘૂસવા બાબત અને એક પત્રકારને સમાચાર ચલાવવા બદલ નોટીસ આપવા બાબત જેવા સંખ્યાબંધ મુદ્દા સાથે અપાયું આવેદનપત્ર
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે છેલ્લા લાંબા સમયથી સ્થાનિક પોલીસ અને પ્રજા વચ્ચેની તિરાડ એટલી મોટી થઈ ગઈ કે ઉમરેઠ પોલીસ ઇન્સ્પેકટર શેફાલી બુલાન ભેદી વર્તન કરે છે તે બાબતનું આવેદનપત્ર ઉમરેઠ મામલતદારશ્રી ને આપવામાં આવ્યું. ઉમરેઠ સનાતની જનજાગરણ સમિતિ દ્વારા ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા થઈ રહેલ ભેદભાવ ભર્યા વર્તન બાબત ન્યાય મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું.
ઉમરેઠ ખાતે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ વિષયમાં કરાઇ રહેલા વર્તન ને લઈને પ્રજામાં જાણે ઉકળતો ચરુ ફાટી નીકળ્યો હોય તેવો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે ગણેશ વિસર્જન યાત્રામાં વિસર્જન કરવાના તળાવની સામેથી જ રાત્રે ૦૮.૪૮ કલાકે પોલીસ દ્વારા ડીજે જપ્ત કરી લેવામાં આવ્યું. ગણેશ મંડળ દ્વારા પોલીસને અનેક રજૂઆતો કરવામાં આવી કે હજુ દૂધથી નવડાવીને આરતી કરવાની બાકી છે તો તમે થોડો સમય આપી છતાં પોલીસ દ્વારા ડીજે જપ્ત કરી લેવાયું. આવું થવાથી ઉમરેઠ લાલ દરવાજા ખાતે ભક્તોની ખૂબ મોટી સંખ્યા એક્ઠી થઈ ગઈ અને તેમણે જણાવ્યું કે બીજા ધર્મોમાં રાત્રે મોડે સુધી ડીજે વગાડવામાં આવે છે અને યાત્રા ચલાવવામાં આવે છે, તો અમારી જોડે આવું ઓરમાયું વર્તન શા માટે. જો અમારું ડીજે છોડવામાં નહી આવે તો અમે ગણેશજી ની મૂર્તિ સાથે અહી જ ધરણાં પર બેસી જઈસુ. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વિરોધમાં બેઠેલા જોઈને ઉમરેઠ પોલીસ દ્વારા ડીજેને છોડવામાં આવ્યું.
ઉપરાંત થોડા દિવસ અગાઉ જે ગણેશ મંડળનું ડીજે જપ્ત કર્યું હતું તેમના જ ગ્રુપના એક વ્યક્તિના ઘરે રાત્રે ૧૧.૩૦ કલાકે ત્રણ પોલીસકર્મી સિવિલ ડ્રેસમાં ખાનગી ગાડીમાં આવ્યા અને ઘરમાં ઘૂસીને વોરંટ આપ્યા વગર તપાસ કરવા લાગ્યા. આનાથી ડઘાઇને ઘરના વ્યક્તિએ તેમને પૂછ્યું કે શું તપાસ કરો છો તો પોલીસકર્મી તરફથી કોઈપણ જવાબ ન મળ્યો અને ખાનગી ગાડીમાં બેસીને પોલીસકર્મી નીકળી ગયા. મોડી રાત્રે આવું થવાથી ગભરાઈ ગયેલા ઘર માલિકે ૧૧૨ નંબર ડાયલ કરીને વર્ધી લખાવતા ઉમરેઠ પોલીસમાંથી પોલીસકર્મી તપાસ માટે આવ્યા. તે સમયે ઘર માલિકે જણાવ્યું કે હું ડ્રાઈવર નું કામ કરું છું અને મોટા ભાગે ઘરની બહાર રહું છું. ઘરમાં મારી પત્ની અને નાનું બાળક એકલા રહે છે. જો આવી રીતે પોલીસકર્મી વગર વોરંટ મોડી રાત્રે સિવિલ કપડામાં ઘરમાં ઘૂસી જાય અને કઈક થાય તો જવાબદારી કોની. આવી ઘટના બનતા ઉમરેઠના એક સ્થાનિક પત્રકાર દ્વારા મોડી રાત્રે વગર વોરંટ ઘરમાં ઘૂસવા ના સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસારિત કર્યા. આ સમાચાર પ્રસારિત કર્યા બાદ ઉમરેઠ પોલીસ દ્વારા તે પત્રકારની ઘરે નોટીસ મોકલી કે તમે જે સમાચાર ચલાવ્યા છે તે બાબતે દિન એકમાં મીડિયાનું રજીસ્ટ્રેશન અને પ્રેસ કાર્ડ લઈ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ. આવું થવાથી ઉમરેઠ પત્રકાર આલમમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું કે સાચી બનેલી ઘટના જો પોલીસ બાબતની હોય તો પોલીસ નોટીસ મોકલી પત્રકારનો અવાજ દબાવવાની વાતો કરે છે.
ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં શેફાલી બુલાન ઇન્સ્પેકટર તરીકે હાજર થયા બાદના અસંખ્ય મુદ્દાઓ ટાંકીને ઉમરેઠ સનાતની જનજાગરણ સમિતિ દ્વારા ઉમરેઠ મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે અમને ન્યાય આપો.
*દીપ પટેલ (આવેદન કર્તા) : ઉમરેઠ પોલીસ ઇન્સ્પેકટર બે વખત અમારા દ્વારા યોજાયેલ ગણેશ મહોત્સવમાં આરતી કરવા આવ્યા હતા. તેઓ દ્વારા દાદાના વિસર્જનના સમયે તળાવની સામેથી ડીજે શા માટે જપ્ત કરાયું ? ઉપરાંત અમારા જ ગ્રુપના એક વ્યક્તિના ઘરે મોડી રાત્રે વગર વોરંટ પોલીસકર્મી શા માટે આવ્યા ? આ બધા સમાચાર એક મીડિયા કર્મીએ ચલાવ્યા તો તેમની ઉપર ઉમરેઠ પોલીસ સ્ટેશનથી નોટીસ મોકલી દીધી. બીજા ધર્મોના તહેવારોમાં મોડી રાત સુધી ડીજે ચાલે છે ત્યારે કોઈ નિયમો લાગુ ન થાય પણ અમારું ડીજે વિસર્જન સમયે જ રાત્રે ૦૮.૪૮ કલાકે જપ્ત કરી લેવામાં આવ્યું. ઉમરેઠ પોલીસ ઇન્સ્પેકટર ભેદભાવ ભર્યું વર્તન રાખે છે માટે અમે ન્યાય મેળવવા ઉમરેઠ મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી રહ્યા છીએ.*