MORBI મોરબી‘સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન’ યોજાશે; જિલ્લામાં વિવિધ સ્થળોએ શિબિરો યોજાશે
MORBI મોરબી‘સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન’ યોજાશે; જિલ્લામાં વિવિધ સ્થળોએ શિબિરો યોજાશે
મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન ‘સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન’ નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવશે. જ્યાં મહિલાઓને નિષ્ણાત સેવાઓ સહીત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ શિબિરનું આયોજન મોરબી જિલ્લા ના ૧૭૭ આયુષ્માન આરોગ્ય મંદિર, ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૧૬ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવશે. આ પખવાડિયા દરમિયાન શિબિર ખાતે હાયપરટેન્શન અને ડાયાબીટીશ માટે સ્ક્રીનીંગ, મુખ કેન્સર,સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ, કિશોરીઓ અને મહિલાઓ માટે એનીમિયા સ્ક્રીનીંગ અને કાઉન્સેલિંગ, મહિલાઓ માટે TB સ્ક્રીનીંગ, સિકલસેલ રોગ સ્ક્રીનીંગ સહિતની મુખ્ય પ્રવૃત્તિ કરવામાં આવશે.
આ સારવાર માટે મેડીકલ કોલેજ, જિલ્લા હોસ્પિટલ ,CHC, PHCના ડોકટર તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, ENT નિષ્ણાંત, ત્વચા રોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ફીજીશ્યન, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન વગેરે સેવાઓ આપશે. માતૃત્વ અને બાળ સંભાળ અન્વયે પ્રસુતિ પહેલાની સંભાળ (ANC)તપાસ,કાઉન્સેલિંગ અને મમતા કાર્ડ વિતરણ બાળકો માટે રસીકરણ સેવાઓ, જાગૃતિ અને જીવન શૈલી બદલાવ અંતર્ગત કિશોરીઓ સહીત મહિલાઓ માટે માસિક સ્ત્રાવ સ્વચ્છતા અને પોષણ તથા રસોઈમાં તેલનો વપરાશ ૧૦ % ઘટાડવા માટે ચર્ચા કરવામાં આવશે.
આ અભિયાન દરમિયાન ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે ટીબી મુક્ત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે નિક્ષય મિત્રની નોંધણી કરવામાં આવશે. આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, ઉંચ્ચ શિક્ષણ, યુવા સંગઠન, પંચાયતી રાજ સંસ્થાઓ, ગ્રામીણ વિકાસ વગેરે વિભાગો વચ્ચે સંકલન કરી શિબિરનું આયોજન કરવામાં આવશે.
૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન ‘સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન’ અન્વયે મોરબી જિલ્લાના લોકોને આ શિબિરમાં મળતી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.