ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો
ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે. રાજ્યના ડીજીપીએ જાહેર કરેલી નવી નીતિ વચ્ચે રાજ્યના એક લાખના પોલીસ દળ માટે નવો પડકાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યના શહેરી વિસ્તારમાં 2.83 લોકો વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારોમાં 77,344ની વસ્તી વચ્ચે એક પોલીસ સ્ટેશન છે. સ્થિતિ એવી છે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં 398 ચોરસ કિલોમીટર અને શહેરોમાં 60 ચોરસ કિલોમીટર વિસ્તારની સુરક્ષાની જવાબદારી એક પોલીસ સ્ટેશનના હવાલે હોય છે. સરેરાશ રેશિયા અનુસાર, ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં સરેરાશ 110 આસપાસ કર્મચારીઓ ફરજ બજાવે છે.
ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ)ના આધારે રેન્કિંગ થતું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી પ્રજાલક્ષી કામગીરી એટલે કે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓના આધારે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ કરવામાં આવશે.
વર્ષ 2024માં યોજાયેલી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા બાદ સૂચવાયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવ્યો છે. હવેથી રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં વર્ષમાં બે વખત આ નવા પેરામીટર્સના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. નવી પદ્ધતિના રેન્કિંગમાં લગભગ 40 જેટલા અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે. નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં અરજીઓનું ઝડપી નિવારણ, શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો, પોલીસના ગેરવર્તનની અરજીઓ, ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અને તેરા તુજકો અર્પણ જેવા કોમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
બીજી તરફ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, હાઈજેનિક મહિલા શૌચાલયની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, રાહત કક્ષ અને તેમાં નાગરિકો માટેની સુવિધા, વૃક્ષારોપણ કાર્યક્રમો, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ માટે પણ ગુણ આપવામાં આવશે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. અને એસ.એચ.ઓ. દ્વારા સરકારી નંબરનો ઉપયોગ પણ આ મૂલ્યાંકનમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ નવી પદ્ધતિ મુજબ, દરેક શહેર અને જિલ્લાના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડા તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. આનાથી પોલીસ સ્ટેશનો વચ્ચે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થશે. આ નવી પદ્ધતીના આધારે ગુજરાત તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનોની રેન્કિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ સ્થાન મેળવનાર પોલીસ સ્ટેશનોના થાણા ઈન્ચાર્જને રાજ્યના ડીજીપી દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનોમાં કામગીરીની ગુણવત્તા સુધરે તેવા હેતુથી કરવામાં આવેલા ફેરફારો પ્રજાલક્ષી હોઈ શકે છે.
ગુજરાત જ નહીં દેશભરમાં પોલીસ સ્ટેશન રેન્કિંગની નવી પદ્ધતિ અમલમાં મુકાઈ છે. બ્યૂરો ઓફ પોલીસ રિચર્સ અને ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરાયેલી પદ્ધતિ મુજબ પ્રજાજનોને પોલીસની કાર્ય પદ્ધતિથી સંતોષને પ્રાધાન્ય અપાયું છે. નાગરિકો માટે પોલીસની ઉપલબ્ધતા, વ્યવહાર, ગુનાખોરી રોકવા ઉપરાંત ઉકેલ, જુના કેસોનો નિકાલ, કાયદો-વ્યવસ્થાની અમલવારી, ગેરવર્તન સામે કડક પગલાં, ડેટા કલેક્શન, પોલીસના ફિલ્ડ વર્કના સર્વેને પણ ધ્યાનમાં રખાશે. 80 ટકા માર્કસ પોલીસની વર્તણૂંક અને ઉપલબ્ધતાના તેમજ બાકીની બાબતો માટે 20 ટકા માર્કસ અપાશે. કુલ 30થી વધુ મુદ્દા રેન્કિંગમાં સામેલ છે.
એક રિપોર્ટ મુજબ, ગુજરાતના 81 ટકા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા છે તેમજ 84 ટકા પોલીસ સ્ટેશનોમાં વૂમન હેલ્પ ડેસ્ક છે. રાજ્યમાં કુલ 322 પોલીસ સ્ટેશનો છે તેમાં પારદર્શિતા લાવવા માટે સીસીટીવી તેમજ મહિલાઓના પ્રશ્નો ઉકેલવા માટે વૂમન હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કોન્સ્ટેબ્યુલરી લેવલે મહિલા પોલીસ કર્મચારીની ટકાવારી 15 ટકા જેવી છે જે દેશમાં 11 ટકા કરતાં સારી ગણી શકાય તેમ છે. જો કે ગુજરાતની વસતી, વિસ્તાર, ક્રાઈમની પેટર્ન જોતાં વધુ પોલીસ કર્મચારીઓની આવશ્યકતા હોવાની રજૂઆતો ઉચ્ચસ્તરે સતત થતી રહે છે.