AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં યુવાનો માટે પોલીસ અને લશ્કરી ભરતીની મફત તાલીમનું આયોજન કરાયુ..

વાત્સલ્યમ્ સમાચાર

  મદન વૈષ્ણવ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિર્દેશન હેઠળ, ડાંગ જિલ્લામાં અનુસૂચિત જનજાતિના યુવાનો માટે એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે.આ પહેલ હેઠળ, ધોરણ-૧૨ પાસ અને સ્નાતક થયેલા યુવક-યુવતીઓ માટે પોલીસ, લશ્કર અને અર્ધલશ્કરી દળો જેવી કે બી.એસ.એફ,આર.એ.એફ,સી.આર.પી.એફ,સી.આઈ.એસ.એફ,એસ.એસ.બી. અને અન્ય સરકારી વિભાગોમાં ભરતી માટે મફત તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે.આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિના યુવાનોને સશક્ત બનાવીને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો છે, જેથી તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે. આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસનો છે, જે તા.૦૬/૧૦/૨૦૨૫ થી ૦૪/૧૧/૨૦૨૫ સુધી ચાલશે. તાલીમનું આયોજન ડાંગ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર, આહવા ખાતે કરવામાં આવ્યું છે.આ તાલીમ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ સંપૂર્ણપણે વિના મૂલ્યે છે અને તાલીમ દરમિયાન તમામ તાલીમાર્થીઓને રહેવાની સગવડ, ચા-નાસ્તો અને દિવસમાં બે સમયનું ભોજન આપવામાં આવશે.તાલીમ દરમિયાન ઉપયોગમાં લેવાતું તમામ સાહિત્ય પણ તાલીમાર્થીઓને મફત આપવામાં આવશે.આ તાલીમમાં જોડાવા ઇચ્છતા ધોરણ-૧૨ પાસ અથવા સ્નાતક યુવક-યુવતીઓએ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે પોલીસ મુખ્ય મથક, આહવા-ડાંગ ખાતે સ્વયં ઉપસ્થિત રહેવાનું રહેશે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાએ ડાંગના યુવાનો આ તકનો લાભ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટેનો અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!