Navsari: જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા બેઠક યોજાઇ: દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે સમજ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ૫૩ કી. મી દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ખાતે દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા ગામ આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.
પોલીસ ઇન્સ્પેકટર યુ.જે.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એન.પટેલ અને ગામના સરપંચ ગજાનંદભાઈ ટંડેલ તેમજ ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દરિયાઈ માર્ગે થતી વિવિધ આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ ડ્રગ્સ પેકેટ્સ, બેગ, તથા ડ્રોન જોવા મળે તાત્કાલીક જાણ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા સહિત દરિયાકિનારાના રહેવાસી તરીકે સતત જાગૃત રહેવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે સાથે ગ્રામજનોને મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતાં.