GUJARATKUTCHMANDAVI

ભુજ તાલુકાના ઢોરી ખાતેથી સાંસદ વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન, પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ.

અંજારના દૂધઈ ખાતેથી "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાન, પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨ ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય શિબિર અંતર્ગત નિઃશુલ્ક તપાસ, નિદાન કાર્યક્રમો અને પોષણ માસની ઉજવણી કરાશે.

મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ અને મહિલાઓને પોષણ આહાર કીટનું વિતરણ કરાયું

માંડવી ,તા-૧૮ સપ્ટેમ્બર  : કચ્છના ભુજ તાલુકાના ઢોરી ગામ ખાતેથી કચ્છ મોરબી સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અને પોષણ માસ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કચ્છના છેવાડાના ગામડાઓ સુધી મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા આજથી શરૂ કરીને ૨ ઓક્ટોબર સુધી ગ્રામ્યકક્ષાએ, આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડી કેન્દ્રોમાં અનેકવિધ મહિલાઓના સ્વાસ્થ્યલક્ષી નિઃશુલ્ક તપાસ અને નિદાન સારવાર કાર્યક્રમો યોજાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગામડે-ગામડે સ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે.વડાપ્રધાનશ્રીના ૭૫માં જન્મદિવસ નિમિતે દેશભરમાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અને ૮માં “પોષણ માસ”નો વડાપ્રધાનશ્રીના વરદહસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કરવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલી આ અભિયાનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાનશ્રી એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની પ્રગતિનો મુખ્ય આધાર મહિલાઓ છે ત્યારે આપણે સૌએ મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવું જરૂરી છે. દેશભરમાં મહિલાઓ સંકલ્પિત બની આ અભિયાનમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્યની સાંભળ લે તેમ વડાપ્રધાનશ્રી એ અપીલ કરી હતી. ઢોરી ખાતેના કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ, સ્વચ્છતા પ્રત્યે સજાગતા જેવા સંકલ્પોને કચ્છના છેવાડાના ગામે પૂરા કર્યા છે. કચ્છનું ઢોરી ગામ એ સ્વદેશી વસ્તુઓ માટેનું રોલ મોડલ છે. ત્યારે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને તેને વિદેશ સુધી પહોંચાડવામાં સહભાગી બનીએ. આ સાથે જ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ હંમેશા મહિલાઓ પ્રત્યે ચિંતિત રહ્યા છે, “પરિવાર અને રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનવુ પડશે” ત્યારે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત ખરા અર્થમાં દેશના વિકાસમાં સહભાગી બનવા જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીના ૭૫માં જન્મ દિવસની તેઓએ શુભેચ્છા પાઠવી સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો આગ્રહ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિતે તેમના કાર્યોને વાગોળતા ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોની સુખાકારી માટે છેવાડાના પ્રત્યેક નાગરિકોને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે હંમેશા ચિંતા કરી છે. આ સાથે જ સ્વચ્છતા હી સેવા અને હર ઘર સ્વચ્છ મિશનના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બની પોતાનું ફળીયુ, મહોલ્લો, ગલી, ગામ અને રાષ્ટ્રને સ્વચ્છ રાખવા ધારાસભ્યશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ મક્કમ સંકલ્પો સાથે વિકાસ સાધી દેશને એક મુકામ સુધી પહોંચાડ્યો છે. દેશના વિકાસ માટે સમાજનું સ્વસ્થ રહેવું આવશ્યક છે. તેથી કેન્દ્ર તથા રાજ્યકક્ષાએ આરોગ્ય અને પોષણ પર ભાર મૂકી નાગરિકો અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે પખવાડિક અભિયાનો અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં નાગરિકોને અનુરોધ કરતા કલેક્ટરશ્રી એ ઉમેર્યું હતું કે, બદલાતી જીવનશૈલી વચ્ચે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી જોવા મળી રહી છે. યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ જોવા મળે છે ત્યારે આ અભિયાનનો ભાગ બની શારીરિક તપાસ અને નિદાન કરાવવા અનુરોધ કલેક્ટરશ્રીએ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મહિલાઓને પોષણ આહારની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કચ્છના અંજાર તાલુકાના દૂધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન, પોષણ માસ અને સ્વચ્છોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અને અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ સાથે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર દૂધઈ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ઢોરી ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેશ ભંડેરી, સરપંચશ્રી જશીબેન કાંગી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મનીષાબેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પારૂલબેન કારા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ, ડોક્ટર્સ, આંગણવાડી કાર્યકરો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!