વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં ૨૦૦૦ ક્યુસેક પાણી છોડાયું
19 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે ૯૫ ટકા ભરાયો.વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં ૨૦૦૦ ક્યુસેક પાણી છોડાયું.ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભુગર્ભ જળના તળ ઊંચા આવશે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધર ચાર તાલુકાના ૨૬ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે :- કલેકટરશ્રી મિહિર પટેલ ૧૧૦ ગામોને સિંચાઈનો તથા ત્રણ તાલુકાના ૮૭ ગામોને પીવાના પાણીનો લાભ પહોંચાડતું બનાસકાંઠાનું જીવનદાયી જળાશય.બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે ૯ અને ૧૦ નંબરનો ગેટ ખોલીને ૨૦૦૦ ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૨૦૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. બનાસ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભુગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે. તેમણે જણાવ્યું કે, દાંતીવાડા થી લઈને ડીસા, ભીલડી, રાધનપુર, કાંકરેજ સુધીના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે. તેમણે જન પ્રતિનિધિઓ, લોકો અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, દાંતીવાડા જળાશયનું જે રૂલ લેવલ હતું તેના કરતા પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલીને પાણી છોડાયુ છે. નદીના વિસ્તારમાં પાણી છોડાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી વર્તી છે. આજુબાજુના ૪ તાલુકાના ૨૬ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે. નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ના જવા અપીલ કરી હતી. દાંતીવાડા જળાશય યોજનાનું કુલ પૂર્ણ જળાશય સપાટી ૬૦૪ ફૂટ છે. ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અત્યારે ડેમમાં ૯૪૯ ક્યુસેક પાણીની આવક છે. અત્યારે ડેમમાં ૧૩૨૬૩ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયો છે જે તેની કેપેસીટીના ૯૫ ટકા જેટલો ભરાયો છે. બનાસ ડેમ પર મુખ્ય ૧૧ ગેટ આવેલા છે. ૨૦૨૫ સિવાય છેલ્લા દસ વર્ષમાં વર્ષ ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૨૨ તથા ૨૦૨૩માં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ તાલુકાના કુલ ૧૧૦ ગામના ૪૫,૮૨૩ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. ડેમ માંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ ૧૯૬૫માં શરૂ કરાઈ હતી. આ જળાશય ડીસા, દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ ૮૭ જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાય છે. બનાસ નદી અરવલ્લીની પર્વતમાળાના દક્ષિણ પશ્ચિમમાંથી રાજસ્થાન રાજ્યના શિહોરી જિલ્લામાં શરણેશ્વર મંદિર પાસેથી નીકળે છે. નદીની કુલ લંબાઈ ૨૫૭.૫૦ કિલોમીટર છે. દાંતીવાડા જળાશય એ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના છે. આ પ્રસંગે ડીસા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યા, શ્રી ગોવાભાઈ દેસાઈ, સહકારી આગેવાનો, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હરેશ ચૌધરી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.